જામનગરના લાલપુર પંથકમાં વાડી વિસ્તારમાં સૂતેલી પ્રૌઢ મહિલાના કાનમાંથી સોનાના વેઢલા ખેંચી બે ચોર ફરાર થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરમાં લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામના ઘુનાવાળુ સીમ વિસ્તારમાં ખેતરની વાડીમાં રાત્રિના સમયે સૂતેલી મહિલાના કાનમાંથી સોનાના વેઢલા ખેંચી બે અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બંને શખ્સોની ઉંમર આશરે 25થી 30 વર્ષની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
નાની રાફુદળ ગામના ઘુનાવાળુ સીમ વિસ્તારમાં ખેતીની જમીનમાં મકાન બનાવી રહેતા સામંતભાઈ એભાભાઈ ગાગીયા (ઉં.વ.55)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત તા.24ની રાત્રે આશરે નવ વાગ્યે સામંતભાઈ અને તેમના પત્ની દુધીબેન (ઉં.વ.53) વાડીના મકાનની પતરાવાળી ઓસરીમાં અલગ-અલગ ખાટલા ઉપર બાજુબાજુમાં સૂતા હતા. વહેલી સવારે આશરે દોઢ વાગ્યાના અરસામાં દુધીબેને અચાનક બૂમ પાડતાં સામંતભાઈ જાગી ગયા હતા. દુધીબેને પોતાના બંને કાનના વેઢલા કોઈ ખેંચીને લઈ ગયાનું જણાવ્યું હતું.
આ દરમિયાન સામંતભાઈએ વાડીમાંથી બે અજાણ્યા શખ્સોને નાની રાફુદળ તરફના રસ્તે ભાગતા જોયા હતા. તેમણે બૂમો પાડીને બંનેનો પીછો કર્યો હતો અને ટ્રેક્ટર ચાલુ કરીને પણ પાછળ ગયા હતા. તેમના પુત્ર કિશોરભાઈ તથા તેમની પત્ની અને બાજુમાં રહેતા રામાભાઈ દાનાભાઈ પણ જાગી જતાં સૌએ ખેતર, સીમ વિસ્તાર અને રસ્તા ઉપર ચોરોની શોધખોળ કરી હતી, પરંતુ બંને હાથ લાગ્યા નહોતા.
ફરિયાદ મુજબ દુધીબેનના કાનમાં પહેરેલા આશરે સાડા ત્રણ તોલા વજનના 20 કેરેટ સોનાના વેઢલા ચાર વર્ષ અગાઉ જામજોધપુરના જવેલર્સ પાસે રૂ.1,87,630માં બનાવડાવવામાં આવ્યા હતા. બનાવ સમયે બંને અજાણ્યા શખ્સોએ દુધીબેનના કાનમાંથી વેઢલા ખેંચી-ખોલી લઈ નાસી ગયા હતા. અંધારું હોવાથી તેમના ચહેરા સ્પષ્ટ જોઈ શકાયા નહોતા. પોલીસે અજાણ્યા બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




