જામનગર શહેરમાંથી હેન્ડલ લોક વગરની બાઇક ચોરી કરી નંબર પ્લેટ કાઢી શહેરમાં ફેરવતા બે શખ્સો ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર શહેરમાં વાહનચોરીના બનાવો અટકાવવા અને ચોરાઉ વાહનો શોધી કાઢવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન સીટી સી. ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે બે વાહનચોરને ઝડપી પાડી રૂ. 35 હજારની કિંમતની બે ચોરાઉ મોટરસાઇકલ કબજે કરી વાહનચોરીના બે અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
બેડી બંદર રીંગ રોડ પરથી ચોરાઉ મોટરસાઇકલ સાથે પકડાયેલા શખ્સોમાં ખેતીવાડી ઇન્દિરા કોલોની, શેરી નં. 5માં રહેતો પ્રકાશ ઉર્ફે પક્કો કુંદનભાઈ નથુભાઈ પરમાર તથા વુલનમીલ, સિદ્ધાર્થનગર, શેરી નં. 2માં રહેતો સતીષ રાજુભાઈ ચનાભાઈ વાઘનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી કાળા રંગની હોન્ડા સીડી ડોન મોટરસાઇકલ, જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે-10-કે-7385 અને મોડલ વર્ષ 2004 છે, તેની કિંમત રૂ. 20 હજાર તથા હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ, તેની કિંમત રૂ. 15 હજાર મળી કુલ રૂ. 35 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ પૈકી હોન્ડા સીડી ડોન મોટરસાઇકલ અંગે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 303(2) હેઠળ નોંધાયેલા ગુનામાં તપાસ ચાલી રહી હતી, જ્યારે હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના ગુનામાં ચોરાયેલી હોવાનું સામે આવ્યું છે. આમ, પોલીસે વાહનચોરીના બે અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી લીધો છે.
પકડાયેલા આરોપીઓ હેન્ડલ લોક વગર પાર્ક કરેલી મોટરસાઇકલને નિશાન બનાવી ચોરી કરતા હતા અને ત્યારબાદ વાહનની નંબર પ્લેટ કાઢી નાખીને શહેરમાં ફેરવતા હોવાની ચોરી કરવાની રીત પોલીસ તપાસમાં સામે આવી છે.




