Jamnagar

જામનગરના રેલવે સ્ટેશન પર દારૂના બે દરોડા, બે સફાઈ કર્મચારી ઝડપાયા

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગર રેલવે પોલીસે પ્રોહિબિશન વોચ દરમિયાન રેલવે સ્ટેશન પર 2 દરોડા પાડ્યા હતા. જેમાં કુલ 29 વિદેશી દારૂના ક્વાર્ટર સાથે 2 સફાઈ કામદારોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રૂ.3,798નો દારૂ કબજે કરી ગુના નોંધ્યા છે. સંજયકુમાર દેત્રોજા અને સુનીગર ગોસાઈ નામના આરોપીઓ રેલવેમાં ખાનગી એજન્સી મારફતે સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના રેલવે સ્ટેશન પર દારૂના બે દરોડા, બે સફાઈ કર્મચારી ઝડપાયા

Jamnagar: જામનગર રેલવે પોલીસ દ્વારા પ્રોહિબિશનની વોચ દરમિયાન જામનગર રેલવે સ્ટેશન પર અલગ-અલગ બે દરોડા પાડી વિદેશી દારૂના કુલ 29 ક્વાર્ટર સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. બંને શખ્સો રેલવેમાં ઓબીએચએસમાં ખાનગી એજન્સી મારફતે સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. બંને કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ.3,798નો દારૂનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધ્યા છે.

પ્રથમ કાર્યવાહીમાં તા.12 સપ્ટેમ્બરના સવારે આશરે 6:15 વાગ્યે જામનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 પર નવી સ્ટેશન માસ્તર કચેરી સામે ખભા પર કાળા રંગનો થેલો લઈને જતા શખ્સને પોલીસે રોક્યો હતો. પૂછપરછ દરમિયાન ગભરાઈ જતાં તેણે થેલામાં દારૂ હોવાનું કબૂલ્યું હતું. પંચોની હાજરીમાં થેલો ખોલી તપાસ કરતાં ‘બેરલ 24 ડિલક્સ વ્હિસ્કી ક્લાસિક’ના 180 એમએલના 15 પ્લાસ્ટિકના શીલબંધ ક્વાર્ટર, જેની કુલ કિંમત રૂ.2,250 હતી, મળી આવ્યા હતા. આ ક્વાર્ટર પર ‘મહારાષ્ટ્ર રાજ્યમાં વેચાણ માટે જ’ લખેલું હતું. દારૂ અંગે કોઈ પાસ-પરમિટ ન હોવાથી પોલીસે મુદ્દામાલ કબજે કરી ઉપલેટાના જડેશ્વરનગર, નાગનાથ ચોક, ખાખીજાળિયા રોડ વિસ્તારમાં રહેતા સંજયકુમાર મગનભાઈ દેત્રોજા (ઉ.વ.43)ની ધરપકડ કરી હતી. સંજયકુમાર રેલવેમાં ઓરિયન્ટલ એજન્સી મારફતે સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.

બીજી કાર્યવાહીમાં જામનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.2 પર ફૂટ ઓવરબ્રિજની સીડીઓ પાસે ખાખી રંગની થેલી લઈને જતા એક શખ્સને પોલીસે રોકી તપાસ કરી હતી. થેલીમાંથી ડર્બી સ્પેશિયલ ડિલક્સ વ્હિસ્કીના ૮ અને સ્ટાઈલમેન પ્રીમિયમ ક્વોલિટીના 6 મળી કુલ 14 ક્વાર્ટર મળી આવ્યા હતા. કુલ રૂ.1,548ની કિંમતનો દારૂ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા *સુનીગર ભાણગર ગોસાઈ (ઉ.વ.37)ની ધરપકડ કરી હતી. તે પણ ઉપલેટા ખાતે રહેતો અને ઓરિએન્ટલ એજન્સી મારફતે રેલવેમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

બંને શખ્સો પાસેથી દારૂ રાખવા અંગે કોઈ પાસ-પરમિટ મળી ન આવતાં પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ) તથા 116(બી) હેઠળ અલગ-અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.