જામજોધપુર નજીક ઇકો કારની હડફેટે બાઇક સવાર બે ભાઈઓ ઘાયલ થયા : મોટાભાઈનું કરુણ મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામજોધપુર તાલુકાના વરવાળા ગામથી આગળ જામજોધપુર તરફ જવાના રસ્તે ગોલાઈ પાસે પુરપાટ ઝડપે અને બેફિકરાઈથી દોડાવવામાં આવી રહેલી ઇકો કારના ચાલકે સામેથી મોટરસાઇકલને ટક્કર મારતાં બે ભાઈ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતમાં મોટા ભાઈ મેરૂભાઈ અશોકભાઈ સાંથલપરાને ગંભીર ઈજાઓ થતાં તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે નાના ભાઈ વિશાલ અશોકભાઈને પણ પગમાં ઈજા થઈ હતી.
ફરિયાદ મુજબ, મેરૂભાઈ અને તેમના નાના ભાઈ વિશાલ બંને સ્પ્લેન્ડર મોટરસાઇકલ નં. જીજે-03-એપી-3134 પર સતાપર ગામે કામ અર્થે ગયા હતા. કામ પૂર્ણ કરી બંને ભાઈ પરત ફરી રહ્યા હતા ત્યારે વરવાળા ગામથી આગળ ગોલાઈ પાસે સફેદ રંગની ઇકો કારના ચાલકે વાહન પૂરપાટ ઝડપે, બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી સામેથી તેમની મોટરસાઇકલ સાથે અથડાવી હતી.
અકસ્માતમાં વિશાલના જમણા પગમાં સાથળના ભાગે ઈજા થઈ હતી, જ્યારે મેરૂભાઈને જમણા પગમાં ગંભીર ઈજા ઉપરાંત માથાના પાછળના ભાગે મુંઢ ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા મેરૂભાઈનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે બીએનએસની કલમ 106(1), 281, 125(એ), 125(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




