ધ્રોલના ઐતિહાસિક ભૂચરમોરી મેદાનમાં અશ્વ અને તલવારબાજી સ્પર્ધા બાદ શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ, ધ્રોલ દ્વારા આયોજિત 35મો ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ તા.3 સપ્ટેમ્બરના શીતળા સાતમના પવિત્ર દિવસે ધ્રોલના ભૂચરમોરી મેદાન ખાતે યોજાશે. સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમમાં ભૂચરમોરીના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
કાર્યક્રમનો પ્રારંભ સવારે 8 વાગ્યે અશ્વ સ્પર્ધાથી થશે. છેલ્લા 25 વર્ષથી યોજાતી આ સ્પર્ધામાં આશરે 50 અશ્વ અને 40 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. ત્યારબાદ નવા શહીદ સ્મારક પાસે તલવારબાજીની સ્પર્ધા યોજાશે, જેમાં દીકરીઓ અને દીકરાઓ સહિત આશરે 60 સ્પર્ધકો ભાગ લેશે. સ્પર્ધાના કન્વીનર તરીકે કિશોરસિંહ જેઠવા જવાબદારી સંભાળશે.
સવારે 10 વાગ્યે જૂના અને નવા શહીદ સ્મારક ખાતે ઉપસ્થિત મહેમાનો દ્વારા ભૂચરમોરીના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ સવારે 10:15 કલાકે શ્રી યુવા સંઘ સ્મૃતિ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ પ્રસંગે ઇતિહાસ જ્ઞાન કસોટી-3માં ગુજરાતમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત ધોરણ 10થી 12માં રાજપૂત સમાજમાં મેરિટમાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીનું પણ સન્માન કરાશે. અશ્વસવારી અને તલવારબાજી સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કાર, ભેટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટને મહારાજા જામ શત્રુશલ્યસિંહજી જાડેજા દ્વારા રૂ.11.51 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. આ કાર્યમાં જામનગરના દિલીપસિંહ જેઠવા તથા તેમની ટીમનો સહયોગ મળી રહ્યો છે.
સમારોહમાં અધ્યક્ષસ્થાને સાંસદ કેશરીદેવસિંહ ઝાલા રહેશે. મંત્રી રીવાબા જાડેજા, મંત્રી સંજયસિંહ મહિડા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેકટર પરિમલભાઈ પંડયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જામસાહેબ બાપુને પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.




