Jamnagar

જામનગરમાં રણજીતસાગર રોડ પરના દબાણ હટાવવાની કામગીરી વચ્ચે વેપારીઓની વીજળી હડતાળ

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં રણજીતસાગર રોડ પર કેનાલ અને રોડની બંને બાજુ થયેલા દબાણો સામે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ કાર્યવાહી કરી હતી. મનપાની ટીમે 8 રેંકડી સહિત દુકાનો બહારની સામગ્રી જપ્ત કરી, જ્યારે 3 દુકાનોના ઓટલા તોડી પાડ્યા. વેપારીઓએ દુકાનો બંધ કરી વીજળી હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો. આ પછી, મનપાએ વેપારીઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા 2 દિવસનો સમય આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં રણજીતસાગર રોડ પરના દબાણ હટાવવાની કામગીરી વચ્ચે વેપારીઓની વીજળી હડતાળ

Jamnagar: જામનગરના રણજીતસાગર રોડ પર કેનાલ તથા રોડની બંને બાજુ થયેલા દબાણો સામે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ ગઈકાલે કાર્યવાહી હાથ ધરતાં વેપારીઓમાં રોષ ફેલાયો હતો. મનપાની ટીમે 8 રેંકડી સહિત દુકાનો બહાર મૂકવામાં આવેલી વિવિધ સામગ્રી જપ્ત કરી હતી, જ્યારે ત્રણ દુકાનોના દબાણરૂપ ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી વીજળી હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો.

કેનાલ તથા રોડની બંને બાજુ આડેધડ દબાણો થયાની ફરિયાદોના પગલે ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ તા. 24ના રોજ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સૂચનાથી તા. 25ની સાંજે એસ્ટેટ શાખાના દબાણ નિરીક્ષકો યુવરાજસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાવનભાઈ ઠાકોર વગેરેએ ટીપીઓ વિભાગના ઈજનેરો ઉર્મિલભાઈ દેસાઈ અને અનિલભાઈ ભટ્ટ તેમજ વોર્ડ ઈન્સ્પેક્ટરોની ટીમ સાથે દબાણ હટાવ કામગીરી શરૂ કરી હતી.

મનપાની ટીમે સ્થળ પરથી 8 રેંકડી ઉપરાંત દુકાનોની બહાર મૂકવામાં આવેલા રેફ્રિજરેટર, ચુલા, તાવડા, ગેસના બાટલા સહિતની સામગ્રી કબજે કરી હતી. સાથે જ દુકાનોની બહાર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા દબાણરૂપ ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા. ત્રણ અન્ય દુકાનોની બહાર આવેલા પતરા સહિતના દબાણ પણ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

દુકાનોને નુકસાન થતું હોવાનો આક્ષેપ કરી વેપારીઓએ વીજળી હડતાળ પાડી

એસ્ટેટ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થતાં વેપારીઓ પોતપોતાના પત્રાં અને અન્ય સામગ્રી ખસેડવા લાગ્યા હતા. આ દરમિયાન દુકાનોને નુકસાન થતું હોવાનો આક્ષેપ કરી વેપારીઓએ વીજળી હડતાળ પાડી હતી અને કેટલાક દુકાનદારોએ પોતાની દુકાનો તાત્કાલિક બંધ કરી દીધી હતી.

વેપારીઓના વિરોધને પગલે સ્થળ પર વેપારીઓ, એસ્ટેટ શાખાની ટીમ તથા પોલીસ વચ્ચે ભારે મસલતનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ એસ્ટેટ શાખાની ટીમે વેપારીઓને પોતાની દુકાનોની બહારના પતરા તથા અન્ય દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે એક-બે દિવસનો સમય આપવાની તૈયારી દર્શાવી હતી.

શનિ-રવિમાં વેપારીઓ જાતે દબાણ હટાવશે, મનપાએ બે દિવસ કામગીરી રોકી

મસલત બાદ શનિવાર-રવિવાર દરમિયાન વેપારીઓ પોતાની દુકાનોની બહારના પતરા સહિતના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવી લે તે અંગે ચર્ચા થઈ હતી. અંતે વેપારીઓએ દુકાનો ફરી શરૂ કરી હતી અને એસ્ટેટ શાખાની ટીમે પત્રાં વગેરે દૂર કરવાની આગળની કામગીરી બે દિવસ માટે અટકાવી હોવાનું જાણવા મળે છે.

દરમિયાન ગઈકાલે ગણેશ વિસર્જનનો દિવસ હોવાથી રણજીતસાગર રોડ તરફ વિસર્જન માટે જતા વાહનોની અવરજવર વધતાં ટ્રાફિકની સ્થિતિ પણ સર્જાઈ હતી. જેને ધ્યાનમાં રાખીને મનપાની ટીમે દબાણ હટાવવાની કામગીરી વહેલી આટોપી લીધી હતી.