Gujarat

જામનગરના પિઝા રેસ્ટોરન્ટમાંથી ત્રણ લાખની ચોરી કરીને ભાગી છુટેલી ત્રિપુટી બિહારથી ઝડપાઈ

By GS Team
17 Feb 20222 mins read
This article was originally published on 17 Feb 2022
જામનગરના પિઝા રેસ્ટોરન્ટમાંથી ત્રણ લાખની ચોરી કરીને ભાગી છુટેલી ત્રિપુટી બિહારથી ઝડપાઈ

જામનગર, તા. 17

જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા એક પીઝા રેસ્ટોરન્ટમાંથી ગત 25મી ડિસેમ્બરે રૂપિયા ત્રણ લાખ સાત હજારની રોકડ રકમની ચોરી થઈ હતી, જે ચોરી રેસ્ટોરન્ટમાં જ કામ કરતા ત્રણ વેઇટરોએ કરી હોવાનું સામે આવ્યું હતું, અને પોતાના વતનમાં ભાગી છૂટયા હતા. જે આરોપીઓનો જામનગર પોલીસે પીછો કરીને બિહારથી ત્રણેય તસ્કરોને ઉપાડી લીધા છે, અને જામનગર લઈ આવ્યા પછી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ ચોરી અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંબર સિનેમા રોડ પરની નિયો સ્કવેર કોમ્પલેક્ષમાં આવેલી વિલિયમ જોન્સ પિઝા રેસ્ટોરન્ટ માંથી ૨૫મી ડિસેમ્બરના રાત્રિના સમયે ટેબલ(કાઉન્ટર)નું લોક તોડી અંદરથી રૂપિયા 3.7 લાખની ચોરી થઇ ગઇ હતી. જે ચોરીના બનાવ અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા પછી સીસીટીવી કેમેરાના આધારે હોટલમાં જ વેઈટર તરીકે કામ કરતા ૩ પરપ્રાંતીય શખ્સોનું કારસ્તાન હોવાનું અને તેઓ ચોરી કરીને પોતાના વતનમાં ભાગી છૂટયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી સીટી બી ડિવિઝન પોલીસે તપાસનો દોર બિહાર સુધી લંબાવ્યો હતો. જ્યાં બે વખત ધક્કા ખાધા પછી આખરે ત્રિપુટીને ઝડપી લીધી છે. જામનગરમાં પીઝાના રેસ્ટોરન્ટમાં જ વેઈટર તરીકે કામ કરતા સુમિત મંડલ, અરવિંદ મંડલ અને રાજેશ મંડલ, કે જે ત્રણેયને જુદા જુદા વિસ્તારોમાં તેના રહેણાંક મકાનમાંથી ઉપાડી લીધા હતા, અને તેઓ પાસેથી રૂપિયા નવ હજારની રોકડ રકમ કબજે કરી લઈ જામનગર લઈ આવ્યા છે.

જે ત્રણેય તસ્કરોના કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરાતાં તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેથી ચોરીના ગુનામાં ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે, અને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ત્રણેય તસ્કરોએ રેસ્ટોરન્ટના ટેબલના ખાનામાં રોકડ રકમ રાખવામાં આવતી હોવાથી જે દિવસે વધુ રકમ જમા થઈ હોય તે દિવસે ચોરી કરવાનો પ્લાન કર્યો હતો, અને ૨૫મી ડિસેમ્બર ના રાત્રીના સમયે હોટલ બંધ હતી, ત્યારે સીસીટીવી કેમેરાની સ્વીચ બંધ કરી દઈ ટેબલનો લોક તોડી રોકડ રકમ લઈને વતનમાં ભાગી છૂટયા હતા, અને ત્રણેય તસ્કરોએ માર્ગમાં રોકડ રકમ ના ત્રણ ભાગ પાડી લીધા હતા, અને પોતાના ઘેર પહોંચ્યા હતા.

જ્યાં પોતે ચોરી કરીને આવ્યા હોવાની પરિવારને જાણ પણ કરી ન હતી. જામનગર પોલીસ તેના ઘેર પહોંચી હતી, ત્યારે પરિવારજનો ચોરીની વાત સાંભળીને અચંબામાં પડી ગયા હતા. સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.