Jamnagar

કાલાવડના જીવાપરમાં ભેંસો ચરાવવા બાબતે માલધારીને કુહાડો મારી જાનથી મારી નાખવાની ધમકી

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં કાલાવડના જીવાપર રોડ પર ભેંસો ચરાવવા ગયેલા માલધારી તેજસુરભાઈ ઘોડા (ઉ.વ. 25) પર તરશી પાટડીયા નામના શખ્સે હુમલો કર્યો હતો. ખેતરમાં ભેંસો નુકસાન કરતી હોવાના આક્ષેપ સાથે ગાળાગાળી કરી કુહાડા વડે જમણા પગે ઈજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કાલાવડ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડના જીવાપરમાં ભેંસો ચરાવવા બાબતે માલધારીને કુહાડો મારી જાનથી મારી નાખવાની ધમકી

Jamnagar Crime : કાલાવડના જીવાપર રોડ પર મોમાઈ કોલોની પાછળ નદીના કાંઠે ભેંસો ચરાવવા ગયેલા માલધારી યુવકને તેની ભેંસો ખેતરમાં નુકસાન કરતી હોવાના આક્ષેપ સાથે એક શખ્સે ગાળો આપી કુહાડો મારી ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, ફરીથી આ તરફ ભેંસો લઈને આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કાલાવડ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ કાલાવડની શીતલા કોલોની, સુંદર વિલાસમાં રહેતા તેજસુરભાઈ હરભમભાઈ ઘોડા (ઉ.વ. 25) માલધારી તરીકે વ્યવસાય કરે છે. તા. 3 ઓક્ટોબરના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં તેઓ પોતાની ભેંસો લઈને જીવાપર રોડ પર મોમાઈ કોલોની પાછળ આવેલા નદીના કાંઠે ચરાવવા ગયા હતા.
તે દરમિયાન જીવાપર રોડ, મોમાઈ કોલોનીમાં રહેતો તરશી પાટડીયા કુહાડો લઈને ત્યાં આવ્યો હતો. તેણે તેજસુરભાઈને તેમની ભેંસો વારંવાર ખેતરમાં નુકસાન કરતી હોવાનું કહી ઉશ્કેરાઈ જઈ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. તેજસુરભાઈએ ગાળો આપવાની ના પાડતાં આરોપીએ હાથમાં રહેલા કુહાડાની ઉંધી બાજુથી તેમના જમણા પગમાં ઘૂંટી ઉપર માર મારી ઈજા પહોંચાડી હતી.
આ પછી આરોપીએ ફરી આ બાજુ ભેંસો લઈને નહીં આવવા અને જો આવશો તો જીવતા નહીં રહેવા દઈએ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત જાહેર હથિયારબંધીના હુકમનો ભંગ કર્યાનો પણ આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
બનાવ અંગે તેજસુરભાઈ ઘોડાની ફરિયાદના આધારે કાલાવડ ટાઉન પોલીસે આરોપી તરશી પાટડીયા સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 115(2), 352, 351(3) તથા જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.