Jamnagar

જામનગરના રણજીત રોડ પર ફ્રૂટની દુકાનમાં ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરના રણજીત રોડ પર સટ્ટાબજાર નજીક SP મહેતા માર્કેટમાં બજરંગ ફ્રૂટની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ સીટી 'બી' ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે નિલેશ ઉર્ફે અજય વસાણી નામના આરોપીને ઝડપી પાડી, દુકાનના પાછળનો દરવાજો તોડી કબાટમાંથી ચોરેલા રૂ. 91,825ની રોકડ રકમ કબજે કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના રણજીત રોડ પર ફ્રૂટની દુકાનમાં ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

Jamnagar: જામનગરના રણજીત રોડ પર સટ્ટાબજાર નજીક આવેલા એસ.પી. મહેતા માર્કેટમાં બજરંગ ફ્રૂટની દુકાનને નિશાન બનાવી ચોરી કરવાના બનાવમાં સીટી ‘બી’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. દુકાનનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશેલા શખ્સે કબાટમાંથી અલગ-અલગ દરની ચલણી નોટોની રોકડ રકમ ચોરી કરી હતી. પોલીસે આ ગુનામાં રૂ. 91,825ની રોકડ રકમ કબજે કરી છે.

રણજીત રોડ પર એસ.પી. મહેતા માર્કેટમાં સટ્ટાબજારની બાજુમાં આવેલી બજરંગ ફ્રૂટની દુકાન નં. એ-૦૩માં રાત્રિના સમયે અજાણ્યો શખ્સ પાછળનો દરવાજો તોડીને અંદર ઘૂસ્યો હતો અને કબાટમાંથી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(એ) અને 331(4) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ચોરીના બનાવની તપાસ દરમિયાન પોલીસે માનવ બાતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી પોલીસે નિલેશ ઉર્ફે અજય દેવગણ મહેન્દ્રભાઈ વસાણી (ઉંમર વર્ષ ૪૭), રહે. કડિયાવાડ, ત્રિકમજીના મંદિરવાળી શેરી, જામનગર, વ્યવસાયે કડિયાકામ, તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી રૂ. 500ના દરની 129 નોટો, રૂ. 200ના દરની 75 નોટો, રૂ. 100ના દરની 37 નોટો, રૂ. 50ના દરની 129 નોટો, રૂ. 2ના દરની 31 નોટો અને રૂ. 1ના દરની 113 નોટો મળી કુલ રૂ. 91,825ની રોકડ રકમ કબજે કરી છે.

આ કામગીરી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આરોપીની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.