જામનગર શહેરના મુખ્ય વિસ્તારોના સફાઈના પ્રશ્નો સામે આવતાં મ્યુનિસિપલ કમિશનર ગઈકાલે રાત્રે જ એક્શનમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા દ્વારા રાત્રિના સમયે પણ સ્થળ પર પહોંચી રૂબરૂ નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. સાંજના સમયે પત્રકારો સાથે સફાઈ તથા પાણી સહિતના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવ્યા બાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સફાઈના પ્રશ્નો સામે આવતાં મ્યુનિસિપલ કમિશનર તુરંત જ એક્શનમાં આવ્યા હતા, અને રાત્રે સાડા નવ વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી આશરે ત્રણ કલાક સુધી ટીમ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને જાતે નિરીક્ષણ કર્યું હતું.
મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાની સાથે ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશભાઈ વરણવા ઉપરાંત એસ્ટેટ શાખા, ઘન કચરા વ્યવસ્થાપન શાખા સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા.
જયશ્રી સિનેમાવાળી ગલીમાં સૌપ્રથમ નિરીક્ષણ
રાત્રિના રાઉન્ડ દરમિયાન સૌપ્રથમ જયશ્રી સિનેમા વાળી ગલી વિસ્તારમાં પહોંચીને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ગંદકી અને કચરાના પ્રશ્ન અંગે રજૂઆતો સામે આવતા મ્યુનિસિપલ કમિશનરે સ્થળ પર જ સફાઈ અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. સફાઈ કર્મચારીઓ અને સંબંધિત શાખાના સ્ટાફને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું હતું. આ ઉપરાંત વિસ્તારમાં અનેક રેકડી, પથારા સહિતના દબાણો જોવા મળતા મ્યુનિસિપલ કમિશનરે સંબંધિત ધંધાર્થીઓ સાથે રૂબરૂ વાતચીત કરી હતી. જાહેર સ્થળે કે રસ્તા પર કોઈપણ પ્રકારની ગંદકી ન થાય તેની ખાસ તકેદારી રાખવા અને પોતાના ધંધાના સ્થળની આસપાસ સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી હતી. દબાણોના મુદ્દે પણ એસ્ટેટ શાખાના અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપવામાં આવી હતી અને આગામી દિવસોમાં આ વિસ્તારમાં કોઈપણ પ્રકારનું ગેરકાયદે દબાણ ન રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી હતી.
ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સથી ભંગારબજાર રોડ સુધી રાઉન્ડ
જયશ્રી સિનેમા વાળી ગલી બાદ મ્યુનિસિપલ કમિશનર ટીમ સાથે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ, પંચેશ્વર ટાવર સહિતના વિસ્તારોમાં ફરીને નિરીક્ષણ કરતા ભંગારબજાર રોડ તરફ પહોંચ્યા હતા. રસ્તાઓની સફાઈ, કચરાના નિકાલ તેમજ જાહેર માર્ગ પરના દબાણ સહિતના મુદ્દાઓનું સ્થળ પર જ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવાઈ ચોક વિસ્તારમાં પહોંચીને ત્યાંના રેકડી-પથારાવાળાઓને પણ જાહેર માર્ગ અને આસપાસના વિસ્તારમાં ગંદકી ન થાય તે અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ જો કોઈ પ્રકારના દબાણો હોય તો તે દૂર કરવા સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું હતું.
બાલા હનુમાનથી તળાવ રોડ અને ખોડિયાર કોલોની સુધી નિરીક્ષણ
રાત્રિના રાઉન્ડ દરમિયાન બાલા હનુમાન મંદિર વિસ્તાર થઈ તળાવ રોડ પર પણ મ્યુનિસિપલ કમિશનર અને તેમની ટીમે સ્થળ પર જઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ખોડિયાર કોલોની વિસ્તાર સુધી પહોંચી ત્યાંના રાત્રિ બજાર જેવા માહોલ અને રેકડી-પથારાવાળાઓની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં પણ રેકડી-પથારાવાળા ધંધાર્થીઓને રસ્તા પર ગંદકી ન થાય અને વ્યવસાય બાદ કચરો યોગ્ય જગ્યાએ જ નાખવામાં આવે તેની ખાસ સૂચના આપવામાં આવી હતી. સાથે જ રસ્તાની આસપાસની સફાઈ જાળવવા દુકાનદારો અને હોટલ સંચાલકોને પણ મ્યુનિસિપલ કમિશનરે તાકીદ કરી હતી.
પત્રકારો સાથેની ચર્ચા બાદ તરત જ સ્થળ પર પહોંચ્યા
શહેરના સફાઈ અને પાણી સહિતના પ્રશ્નો અંગે પત્રકારો સાથે સાંજે ચર્ચા કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાએ માત્ર બેઠક કે સૂચનાઓ પૂરતી કામગીરી ન રાખી રાત્રે જ શહેરના વિવિધ વિસ્તારોમાં જાતે પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. રાત્રે સાડા નવ વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી આશરે ત્રણ કલાક સુધી સમગ્ર ટીમને સાથે રાખીને કરવામાં આવેલા આ રાઉન્ડ દરમિયાન જ્યાં-જ્યાં સફાઈ, કચરો અને દબાણ સહિતના પ્રશ્નો નજરે પડ્યા ત્યાં સ્થળ પર જ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જામનગર શહેર સ્વચ્છ અને સુંદર બને તથા જાહેર માર્ગો પર સ્વચ્છતા જળવાઈ રહે તે દિશામાં મ્યુનિસિપલ કમિશનરે પોતે જ રાત્રિના સમયે મેદાનમાં ઉતરીને કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો.




