જામનગરમાં નિર્માણાધીન ફ્લાયઓવરના ચોથા તબક્કાનો પણ થયો પ્રારંભ

- ગુરુદ્વારા ચોકડીથી અંબર ચોકડી ની વચ્ચે ચોથા તબક્કાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું
જામનગર તા ૩,
જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ થી સુભાષ બ્રિજ સુધીના નિર્માણાધીન ફ્લાયઓવર ના જુદા જુદા ત્રણ તબક્કાઓમાં કામ ચાલી રહ્યું છે, ત્યારે ગઇકાલથી ગુરુદ્વારા ચોકડીથી અંબર ચોકડી વચ્ચેના માર્ગ પર નું ચોથા તબક્કાનું કામ પણ શરૂ કરી દેવાયું છે, અને સર્વિસ રોડ રાતોરાત ઉભો કરી ત્યાં પણ હેવી ક્રેઇન ગોઠવીને ફ્લાયઓવર સંબંધી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જામનગરમાં સાત રસ્તા પાસેથી ફ્લાયર ઓવર નું કામ શરૂ કરાયું હતું, જેના માટે ગુરુદ્વારા ચોકડી સુધી ના માર્ગ પર ભારે વાહનોની અવરજવર માટેનું જિલ્લા કલેકટર દ્વારા દોઢ વર્ષ સુધી નું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે, ત્યાર પછી સાત રસ્તા થી જનતા ફાટક સુધી અને સાત રસ્તા થી ખોડીયાર મંદિર સુધીના માર્ગ પર સર્વિસ રોડ તૈયાર કરીને જુદા જુદા અન્ય ૨ તબક્કાઓ પણ શરૂ કરી દેવાયા હતા,
કુલ ત્રણ ફેઈઝ માં છેલ્લા બે મહિનાથી કામ ચાલી રહ્યું હતું, જેમાં આજે વધારો કરવામાં આવ્યો હતો, અને ગુરુદ્વારા ચોકડી થઈ અંબર ચોકડી સુધીના માર્ગ પર ચોથા તબક્કા નું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ચર્ચ તરફના માર્ગ પર આસપાસની બધી આડશો દૂર કરી પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર તથા વીજ થાંભલાઓ વગેરે ખસેડી લીધા હતા, અને ખોદકામ કરાવ્યા પછી ડામર કાર્પેટ પાથરી દેવાયો છે, અને માર્ગની એક તરફ પતરા ની આડશ ઉભી કરી દઇ સર્વિસ રોડ બનાવી લેવાયો છે. જેના પર ગઇકાલે વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે.
જ્યારે હેવી ક્રેઇનની મદદથી ડિવાઈડર અને વચ્ચેના ભાગમાં ડ્રિલિંગ કરવા સહિતની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. એટલું જ માત્ર નહીં ગુરુદ્વાર ચોકડી થી અંબર ચોકડી સુધીના માર્ગ પર પીજીવીસીએલના વીજપોલ અથવા તો વીજ ટ્રાન્સફોર્મર વગેરેને તાત્કાલિક અસરથી ખસેડી લેવામાં આવ્યા છે અને આસપાસના વિસ્તારોમાં ટ્રાન્સફરો ને ઉભા કરી લેવાની કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉપરોક્ત માર્ગમાંથી જમીનની નીચે પસાર થતી પાણીની પાઈપલાઈન તેમજ ભૂગર્ભ ગટરની લાઈન વગેરેની પણ સ્થળાંતર કરવાની કામગીરીનો પ્રારંભ થઇ ગયો છે, અને નજીકના ભવિષ્યમાં જ ચોથા તબક્કાનું કામ પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવશે.




