જામનગરના રણજીત સાગર રોડ પર દબાણો સામે મનપા તંત્રની કડક કાર્યવાહી ડી.એમ.સી. જાતે મેદાનમાં ઉતર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Corporation : જામનગર શહેરને સ્વચ્છ અને દબાણમુક્ત બનાવવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા હવે મેદાનમાં ઉતરીને કામગીરી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આજે વિવિધ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત ટીમ દ્વારા શહેરના રણજીત સાગર રોડ સહિતના વિસ્તારોમાં દબાણો અને સફાઈ અંગે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આજરોજ ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, કાર્યપાલક ઇજનેર પાઠક તેમજ ગાર્ડન શાખા, સિવિલ શાખા, ટીપીઓ શાખા, ઘન કચરા વ્યવસ્થાપન શાખા અને એસ્ટેટ શાખાના સંયુક્ત ઉપક્રમે પવનચક્કીથી લાલપુર બાયપાસ સુધી તથા લાલપુર બાયપાસથી પવનચક્કી સુધી બંને તરફની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહાનગરપાલિકાની ટીમે રોડની બંને બાજુ આવેલા દુકાનદારો તેમજ રેકડી ધારકોને કડક સૂચનાઓ આપી હતી. રોડ પર માલસામાન, રેકડી કે અન્ય સામગ્રી એવી રીતે ન રાખવા જણાવાયું હતું કે જેના કારણે સફાઈ કામગીરીમાં અડચણ ઊભી થાય અથવા વાહનવ્યવહારને મુશ્કેલી પડે.
મનપા તંત્ર દ્વારા ખાસ કરીને મુખ્ય માર્ગ પર સફાઈ જળવાઈ રહે અને દુકાનો કે રેકડીના કારણે ટ્રાફિક અવરોધાય નહીં તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર શહેરને સ્વચ્છ તથા દબાણમુક્ત બનાવવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી સતત સ્થળ નિરીક્ષણ અને કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે રાત્રે પણ મ્યુનિસિપલ કમિશનર વિશાળ કાફલા સહિતના અધિકારીઓએ શહેરના ગીચ વિસ્તારો, રાત્રિ બજાર સહિતના વિસ્તારોમાં સફાઈ અને દબાણના પ્રશ્નો અંગે સ્થળ નિરીક્ષણ કરી સંબંધિત વિભાગના સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી.
હવે રણજીત સાગર રોડ સહિતના મુખ્ય માર્ગો પર દુકાનદારો અને રેકડી ધારકોને આપવામાં આવેલી સૂચનાઓ બાદ આગામી દિવસોમાં દબાણો યથાવત્ રહેશે તો મનપા તંત્ર દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.




