જામનગરમાં દિવાળી પૂર્વે એસઓજીનો દરોડો: લાયસન્સ વિના સંગ્રહ કરાયેલા લાખો રૂપિયાના ફટાકડા સાથે એક શખસ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Illegal Firecrackers: જામનગરમાં દિવાળીના તહેવાર પૂર્વે ગેરકાય રીતે ફટાકડાનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતા તત્વો સામે સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ (એસ.ઓ.જી.) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં દરોડા પાડી પોલીસે લાયસન્સ કે પરવાના વિના ગેરકાયદે સંગ્રહ કરાયેલા 6,67,830 રૂપિયાની કિંમતના વિસ્ફોટક ફટાકડાના 392 બોક્સ કબજે કર્યા છે અને એક વેપારીની ધરપકડ કરી ગોડાઉન સીલ કરી દીધું છે.
ખાનગી બાતમીના આધારે એસઓજીની દરોડા
મળતી માહિતી અનુસાર, પોલીસની ટીમને બાતમી મળી હતી કે બેડેશ્વર વિસ્તારમાં શક્તિ ફર્નિચરની બાજુમાં આવેલા એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો મોટો જથ્થો ભરી રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી વિવિધ કંપનીઓ અને બ્રાન્ડના વિસ્ફોટક ફટાકડાના કુલ 392 બોક્સ મળી આવ્યા હતા.
ફાયર સેફ્ટીના સાધનોનો પણ અભાવ
તપાસમાં બહાર આવ્યું હતું કે ગોડાઉનના માલિક સચીન ભારાઈ (રહે.જામજોધપુર) દ્વારા કોઈપણ પ્રકારના અધિકૃત લાયસન્સ કે પરવાના વગર આ જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ જોખમી ગોડાઉનમાં આગ જેવી આકસ્મિક દુર્ઘટના સામે રક્ષણ મેળવવા માટે ફાયર સેફ્ટીનાં પ્રાથમિક સાધનો જેવા કે પાણીની ડોલ, રેતીની ડોલ કે અગ્નિશામક યંત્રોનો પણ સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો. આવી જોખમી પરિસ્થિતિમાં વિસ્ફોટકોનો સંગ્રહ કરવાથી આસપાસના રહીશોના જીવન અને મિલકત સામે ગંભીર જોખમ ઊભું થયું હતું.
એસ.ઓ.જી.ની ટીમે 6.67 લાખ રૂપિયાથી વધુની કિંમતના ફટાકડાનો આખો જથ્થો જપ્ત કરી લીધો છે. આ મામલે વેપારી સચીન ભારાઈ વિરુદ્ધ જામનગર સિટી 'બી' ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા એક્સપ્લોઝિવ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




