Jamnagar

જામજોધપુરમાં તસ્કરોનો તરખાટ: ‘અમર એગ્રી સીડ્સ’માંથી રૂપિયા 1.80 લાખની ચોરીની ફરિયાદથી ચકચાર

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
જામજોધપુરમાં અજાણ્યા તસ્કરોએ એક જ રાત્રે 3 વેપારી પેઢીઓને નિશાન બનાવી હતી. ગીંગણી રોડ પરના ‘અમર એગ્રી સીડ્સ’માંથી શટર ઊંચું કરી ઓફિસમાંથી ₹1.80 લાખ રોકડા ચોરાયા હતા. નજીકની અન્ય 2 દુકાનોમાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ ત્યાંથી કંઈ ચોરાયું નહોતું. જામજોધપુર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુરમાં તસ્કરોનો તરખાટ: ‘અમર એગ્રી સીડ્સ’માંથી રૂપિયા 1.80 લાખની ચોરીની ફરિયાદથી ચકચાર

Jamnagar: જામજોધપુર શહેરના ગીંગણી રોડ વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ એક જ રાત્રિમાં ત્રણ વેપારી પેઢીઓને નિશાન બનાવી હતી. કલા સર્કલ નજીક આવેલા ‘અમર એગ્રી સીડ્સ’ના પ્રોસેસિંગ યુનિટનું શટર ઊંચું કરી ઓફિસમાંથી રૂપિયા 1.80 લાખની રોકડ રકમ ચોરી કરવામાં આવી હતી. જ્યારે નજીકમાં આવેલી અન્ય બે દુકાનોમાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો. સમગ્ર મામલે જામજોધપુર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જામજોધપુરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને ખેતીવાડીના બિયારણના ઉત્પાદન તથા પ્રોસેસિંગનો વ્યવસાય કરતા ૫૫ વર્ષીય અતુલભાઈ જેન્તીભાઈ જાવીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ ગીંગણી રોડ પર કલા સર્કલ નજીક ‘અમર એગ્રી સીડ્સ’ નામનું પ્રોસેસિંગ યુનિટ ચલાવે છે.

અતુલભાઈએ 20 જુલાઈ 2026ના રોજ બપોરે આશરે સાડા ચાર વાગ્યે સતાપરના એક વેપારીને મગફળીનું પેમેન્ટ ચૂકવવા માટે રૂપિયા ૧.૮૦ લાખની રોકડ રકમ પોતાની ઓફિસના ટેબલના ખાનામાં રાખી હતી. ત્યારબાદ 21 જુલાઈની રાત્રે તેઓ પરિવાર સાથે ઉજ્જૈન જવા માટે નીકળી ગયા હતા.

દરમિયાન, 23 જુલાઈની સવારે યુનિટના મેનેજર વિજયભાઈ ટાંકે ફોન કરીને અતુલભાઈને જાણ કરી હતી કે યુનિટના આગળના શટરનું તાળું તૂટેલું છે, અને ઓફિસના ટેબલનાં ખાનાં ખુલ્લાં પડ્યાં છે. જાણ થતાં અતુલભાઈ ઉજ્જૈનથી પરત જામજોધપુર પહોંચ્યા હતા. ઓફિસમાં તપાસ કરતાં ટેબલના ખાનામાં રાખેલી રૂપિયા 1.80 લાખની રોકડ રકમ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. યુનિટમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ખરાબ હોવાથી ચોરીની ઘટના કેમેરામાં કેદ થઈ શકી ન હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય બે દુકાનો પણ તસ્કરોના નિશાને

‘અમર એગ્રી સીડ્સ’ની સામે આવેલા રાકેશભાઈ ચંદુલાલ ઝાલાવડીયાની માલિકીના ‘શુભ હોન્ડા’ શોરૂમમાં પણ અજાણ્યા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત બાજુમાં આવેલી ભાવીનભાઈ નંદલાલભાઈ ભાલોડીયાની માલિકીની ‘આદર્શ રેફ્રિજરેટર’ દુકાનને પણ નિશાન બનાવવામાં આવી હતી. જોકે, બંને દુકાનોમાંથી કોઈ રોકડ રકમ કે માલસામાન ચોરાયો ન હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે જામજોધપુર પોલીસે ૨૫ જુલાઈ ૨૦૨૬ના રોજ રાત્રે 11:30 વાગ્યે અજાણ્યા તસ્કર કે તસ્કરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 305 અને 331(4) હેઠળ ગુનો નોંધ્યો છે. કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મંજુબેન લખમણભાઈ ઓડેદરા ચલાવી રહ્યાં છે.