જામનગરમાં માધેશ્વર મહાદેવ મંદિરમાં દાનપેટી તોડી ચોરી કરનાર તસ્કર ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર શહેરના માધવબાગ-1 વિસ્તારમાં આવેલ માધેશ્વર મહાદેવ મંદિરમાં દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરનાર એક તસ્કરને જામનગર સિટી "સી" ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો રૂ.9,559નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
જામનગર જિલ્લામાં અનડિટેક્ટ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.તે અંતર્ગત સિટી "સી" ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના અને સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ગત તા.29/06/2026ની રાત્રિથી તા.30/06/2026ની વહેલી સવારે વચ્ચે માધવબાગ-1 શેરી નં. 6 ખાતે આવેલા માધેશ્વર મહાદેવ મંદિરમાં કોઈ અજાણ્યો શખ્સ દીવાલ કૂદી અંદર પ્રવેશ્યો હતો અને દાનપેટીમાંથી અંદાજે રૂ. 15,000ની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે મંદિરના પૂજારી કેશવદાસ હીરાદાસ કાપડીએ સિટી "સી" પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તપાસ દરમિયાન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હ્યુમન સોર્સ મારફતે મળેલી ચોક્કસ બાતમીના આધારે રોજી પંપથી જનતા ફાટક તરફ વોચ ગોઠવી હતી. દરમિયાન પોતાના હાથમાં થેલી લઈને ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવા જતો શખ્સ મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજીયો ચતુરસિંહ સોલંકી (રહે. ગોકુલનગર, જકાતનાકા પાસે, વિજયનગર, જામનગર) તરીકે થઈ હતી.
પોલીસે આરોપી પાસેથી રૂ.9,490ની વિવિધ ચલણી નોટો તથા રૂ.69ના સિક્કા મળી કુલ રૂ.9,559નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કામગીરીમાં સર્વેલન્સ સ્ટાફની સતર્કતા અને ઝડપી તપાસના પરિણામે ટૂંકા સમયમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. હાલ પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




