રાજકોટના કૌભાંડકારી અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામે જામનગરમાં પણ એસઆઈટીની રચના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: ખેડૂતો અને સામાન્ય લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી તેમની પાસે ખંડણીની માગણી કરવા તેમજ બળજબરી અને છેતરપિંડીથી જમીનો પચાવી પાડવાના ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામે જામનગર જિલ્લામાં નોંધાયેલા ગુનાઓની તપાસ માટે રાજકોટ રેન્જના ડીઆઈજી દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે. એક જ ટોળકી સામે રાજકોટ અને જામનગરમાં અલગ-અલગ એસઆઈટીની રચના કરવામાં આવી હોય તેવો આ કિસ્સો અનોખો માનવામાં આવે છે.
અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામે રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા ઉપરાંત જામનગર જિલ્લામાં પણ ગુનાઓ નોંધાયા છે. આ ટોળકી સામે રાજકોટ જિલ્લામાં નોંધાયેલા ગુનાઓની તપાસ માટે અગાઉ એસપી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી. હવે જામનગર જિલ્લામાં નોંધાયેલા ગુનાઓ તેમજ આ ટોળકી વિરુદ્ધ મળેલી અરજીઓની તપાસ માટે અલગથી એસઆઈટીની રચના કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં નોંધાયેલા ગુનાઓની તપાસ માટે રચાયેલી એસઆઈટીના અધ્યક્ષ તરીકે લાલપુર વિભાગનાં એએસપી પ્રતિભા રાવ ને નીમવામાં આવ્યાં છે, જ્યારે જામનગરના ડીવાયએસપી જે.એન. ઝાલાને મદદનીશ તરીકે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર અને એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનો પણ એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામે જામનગર જિલ્લામાં થયેલી તમામ અરજીઓ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય પોલીસને મળેલી જામનગર જિલ્લાને લગતી અરજીઓ પણ તપાસ માટે એસઆઈટીને સોંપવામાં આવી છે. એસઆઈટીને તમામ ગુનાઓ અને અરજીઓની તપાસની પ્રગતિનો અહેવાલ દર સોમવારે રાજકોટ રેન્જના ડીઆઈજીને મોકલવા સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ ટોળકી સામે ખેડૂતો અને સામાન્ય લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી ખંડણી માગવા તેમજ જમીનો પચાવી પાડવા સહિતના આક્ષેપો થયા છે. થોડા સમય પહેલાં પોલીસે ટોળકી દ્વારા પચાવી પાડવામાં આવી હોવાના આક્ષેપોવાળી રૂ. 100 કરોડથી વધુ કિંમતની જમીનો મૂળ માલિકોને પરત અપાવી હતી. હવે જામનગર જિલ્લામાં નોંધાયેલા ગુનાઓ અને મળેલી અરજીઓની તપાસ એસઆઈટી દ્વારા હાથ ધરવામાં આવનાર છે. ટોળકીનો ભોગ બનેલા લોકોને લાલપુર વિભાગનાં એએસપીનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.




