Jamnagar

જામનગર ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ઘટસ્ફોટ: સાયનાઈડયુક્ત દારૂ પીવડાવીને જિગ્નેશ માવદિયાની હત્યા

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં ચકચાર મચાવનાર જિગ્નેશ માવદિયા હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે મૃતકની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિ સહિત નિલેશ કછેટિયા અને બલવીર વર્માની ધરપકડ કરી છે. આરોપીઓએ 1 મહિના પહેલાં જ કાવતરું ઘડી, સાયનાઈડ ભેળવેલો દારૂ પીવડાવી હત્યા કરી હતી. બાદમાં મૃતદેહને કારખાનામાં 12થી 15 ફૂટ ઊંડા ખાડામાં દાટી, સિમેન્ટના થર ચડાવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ઘટસ્ફોટ: સાયનાઈડયુક્ત દારૂ પીવડાવીને જિગ્નેશ માવદિયાની હત્યા

Jamnagar Crime News: જામનગર જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બનેલા મર્ડર મિસ્ટ્રી પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓએ હત્યાના એક મહિના પહેલાંથી જ સંપૂર્ણ કાવતરું ઘડી રાખ્યું હતું. મૃતક જિગ્નેશ માવદિયાને સાયનાઈડ ભેળવેલો દારૂ પીવડાવી પતાવી દીધા બાદ કારખાનામાં 12થી 15 ફૂટ ઊંડા ખાડામાં મૃતદેહ દાટી, ઉપર સિમેન્ટના થર ચડાવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે આ મામલે મૃતકની પત્ની સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

હત્યાના એક મહિના અગાઉથી રચાતી હતી સાજિશ

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, કાવતરાના મુખ્ય સૂત્રધાર નિલેશ કછેટિયાએ ઉદ્યોગનગર વિસ્તારમાં એક કારખાનું ભાડે રાખ્યું હતું. ત્યાં મશીનરી ફિટ કરવાનો બહાનો બતાવી અગાઉથી જ 12થી 15 ફૂટ ઊંડો ખાડો ખોદાવ્યો હતો, જે વાસ્તવમાં મૃતદેહ દાટી દેવા માટે જ તૈયાર કરાયો હતો. કાવતરાના ભાગરૂપે ત્રીજા સાગરિત બલવીર દેવીરામ વર્મા દ્વારા સાયનાઇડની વ્યવસ્થા કરવામાં આવી હતી.

દારૂની મહેફિલમાં ગ્લાસમાં સાયનાઇડ ભેળવી દીધું

રાત્રિના સમયે કારખાનામાં દારૂની મહેફિલ ગોઠવવામાં આવી હતી. જ્યાં મૃતક જિગ્નેશ માવદિયા તેમજ આરોપી નિલેશ અને બલવીર હાજર હતા. આ દરમિયાન જીગ્નેશની અજાણતામાં તેના દારૂના ગ્લાસમાં સાયનાઇડ ભેળવી દેવાયું હતું. દારૂની ચુસ્કી લેતાં જ સાયનાઇડ શરીરમાં પ્રસરી જતાં જીગ્નેશનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

મૃતદેહ દાટીને સિમેન્ટનું પ્લાસ્ટર કર્યું, કારખાનું ખાલી કરી દીધું

હત્યા બાદ આરોપીઓએ મૃતદેહને અગાઉથી તૈયાર કરાયેલા ખાડામાં ફેંકી દીધો હતો. ત્યારબાદ તેના પર માટી નાખી સિમેન્ટનું પ્લાસ્ટર કર્યું હતું. ફરી માટી ભરી વધુ એક વખત સિમેન્ટનો થર ચડાવી સ્થળને એકદમ સામાન્ય બનાવી દીધું હતું. ઘટનાના થોડા દિવસો બાદ આરોપીઓએ 'હવે કારખાનું ચલાવવું નથી' તેમ કહી એક મહિનાનું ભાડું ચૂકવી જગ્યા ખાલી કરી દીધી હતી. પાછળથી અન્ય વ્યક્તિએ આ જગ્યા ભાડે લઈ મશીનરી પણ ગોઠવી દીધી હતી.

હાડપિંજર અને અવશેષો કબજે, DNA ટેસ્ટ કરાવાશે

પોલીસે આરોપીઓની કડક પૂછપરછ બાદ તેમને સાથે રાખીને કારખાનામાંથી મશીનરી હટાવી ખોદકામ કરાવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ પણ કરાયું હતું. ખોદકામ દરમિયાન મૃતકના હાડપિંજર, કપડાં અને અન્ય અવશેષો મળી આવ્યા છે.

ચર્ચાસ્પદ બનેલા આ કેસની તપાસ લાલપુરના આઈપીએસ અધિકારી પ્રતિભા રાવના માર્ગદર્શન હેઠળ પંચકોશી બી. ડિવિઝનના પી.આઈ. વી. જે. રાઠોડ અને તેમની ટીમ કરી રહી છે. મૃતદેહના અવશેષોની ઓળખ માટે ફોરેન્સિક સાયન્સની મદદથી ડીએનએ (DNA) પરીક્ષણ કરાવવામાં આવશે.

મૃતકની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિ, નિલેશ કછેટિયા અને બલવીર વર્માની ધરપકડ કરી લીધી છે. આરોપીઓને અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે, જેથી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને કાવતરાની દરેક કડી વધુ સ્પષ્ટ કરી શકાય.