જામનગરમાં ખોડીયાર કોલોની પાસે કાર પર લોખંડના પાઇપથી હુમલો કરવાના ગુનામાં સાત આરોપી ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રાજ ચેમ્બરની સામે રોડ પર કાર રોકી લોખંડના પાઇપ વડે હુમલો કરી કારમાં તોડફોડ કરવા તેમજ બે યુવાનોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં સિટી-સી ડિવિઝન પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ બનાવ અંગે લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા ધવલ જીતેશભાઈ વાસુ (ઉ.વ. 21)એ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તા. 11 નવેમ્બરના રોજ બપોરે તેઓ પોતાના મિત્ર ભરતભાઈ બેડીયાવદરા, ફુઆ હરેશભાઈ ભેટ અને ઓમ ભેટ સાથે કારમાં જામનગરથી જોગવડ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ખોડીયાર કોલોનીમાં રાજ ચેમ્બરની સામે હરજી રબારી અને કિશન ખાભલા નામના શખસોએ બુલેટ મોટરસાઇકલ રસ્તા વચ્ચે આડી રાખી કાર અટકાવી હતી.
ત્યારબાદ બંનેએ લોખંડના પાઇપ વડે કાર પર આડેધડ ઘા ઝીંકી કાચ તોડી નાખ્યા હતા. ધવલ વાસુ અને કારચાલક ભરતભાઈને પણ પાઇપ વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં, ધવલના ખિસ્સામાંથી મોબાઇલ ફોન ખેંચવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ દરમિયાન સ્વિફ્ટ કારમાં વિજય રબારી, રાજ રબારી અને અન્ય ત્રણ અજાણ્યા શખસો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેઓએ પણ લોખંડના પાઇપ વડે કારમાં તોડફોડ કરી કાચ, દરવાજા અને લાઇટને નુકસાન પહોંચાડ્યું હતું.
આ હુમલા પાછળ તા. 8 નવેમ્બરના રોજ જોગવડ પાટિયા પાસે કરશન આલાભાઈ વાઘેલા સાથે થયેલા ઝઘડાની અદાવત કારણભૂત હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ પ્રકરણમાં સિટી-સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, અને આ પ્રકરણમાં સંડોવાયેલા રાહુલ ઉર્ફે હરજીભાઈ આલ, કિશન ખાંભલા, વિજય ઉર્ફે હમીર રબારી, રાજ લક્ષ્મણભાઈ રબારી, હમીર લગધીરભાઈ કરમટા, ભારો માલદેભાઈ મોરી, અને મેરામણ ઉર્ફે ગવો કરમટા વગેરે સાત આરોપીઓની સીટી સી ડિવિઝન પોલીસે અટકાયત કરી લીધી છે, અને તમામની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.




