Jamnagar

જામનગર જિલ્લામાં કાચું સોનું વરસ્યું : લાંબી રાહ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીની લહેર

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની મન મૂકીને મહેર થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો, જે આજે સવારે પણ ચાલુ રહ્યો. જિલ્લામાં સાર્વત્રિક 1 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો, જેમાં ધ્રોલમાં સૌથી વધુ 51 મિલીમીટર નોંધાયો. આ વરસાદથી ઉભા પાકને જીવનદાન મળ્યું અને જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં કાચું સોનું વરસ્યું : લાંબી રાહ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીની લહેર

Jamnagar Rain Update : લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાએ જામનગર જિલ્લા પર મન મૂકીને મહેર વરસાવતા જાણે કાચું સોનું વરસ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. ગઈકાલે રાત્રે લગભગ દસ વાગ્યા બાદ શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી, જે આજે સવારે પણ યથાવત રહી હતી. સાર્વત્રિક એકથી અઢી ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે, અને ઉભા પાકને જીવનદાન મળ્યું છે. સાથે જ ચેકડેમો, તળાવો અને જળાશયોમાં નવા નીરની આવક શરૂ થતાં પાણીની સ્થિતિમાં પણ સુધારાની આશા જાગી છે.
છેલ્લા બાર કલાક દરમિયાન જિલ્લામાં સૌથી વધુ ધ્રોલમાં 51 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે જોડિયામાં 48 મિલીમીટર, કાલાવડમાં 34 મિલીમીટર, લાલપુરમાં 19 મિલીમીટર અને જામનગર શહેરમાં 19 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન પણ વરસાદી માહોલ યથાવત રહેતા વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. ખાસ કરીને જોડિયા તાલુકાના હડિયાણામાં 55 મિલીમીટર, બાલંભામાં 40 મિલીમીટર, ભલસાણ બેરાજામાં 30 મિલીમીટર, તેમજ મોટા વડાળામાં અને આલિયાબાડામાં 20-20 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અન્ય વિસ્તારોમાં પણ અડધા ઇંચથી એક ઇંચ સુધી વરસાદ વરસ્યાના અહેવાલો છે.
આ વરસાદથી છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને મોટી રાહત મળી છે. ઉભા પાકને જીવનદાન મળવાની સાથે આગામી વાવેતર અને ખેતી માટે પણ આશાનું નવું કિરણ ફૂટ્યું છે. બીજી તરફ શહેર અને જિલ્લાના ચેકડેમો, તળાવો તથા અન્ય જળાશયોમાં ધીમે ધીમે વરસાદી પાણીની આવક શરૂ થઈ છે. હાલ આવક પ્રાથમિક તબક્કામાં હોવા છતાં આગામી દિવસોમાં વધુ વરસાદ વરસે તો જળાશયો ભરાવાની આશા વધુ મજબૂત બની છે.
હવામાનમાં આવેલા આ અચાનક પલટા અને મેઘરાજાની ધમાકેદાર મહેરથી સમગ્ર જામનગર જિલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ખેડૂતોની સાથે શહેરીજનોએ પણ ગરમી અને ઉકળાટમાંથી રાહતનો અનુભવ કર્યો છે, જ્યારે આગામી દિવસોમાં પણ સારો વરસાદ વરસવાની સંભાવનાએ સૌની આશાઓ વધુ પ્રબળ બનાવી છે.