Gujarat

રંગીલા જામનગર વાસી અને ઉત્સવ પ્રેમી જનતાએ ધુળેટીનો રંગોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવ્યો

By GS Team
19 Mar 20224 mins read
This article was originally published on 19 Mar 2022
રંગીલા જામનગર વાસી અને ઉત્સવ પ્રેમી જનતાએ ધુળેટીનો રંગોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવ્યો

- જામનગરના જિલ્લા કલેકટર- કૃષિ મંત્રી સહિતનારાજકીય આગેવાનો-જી.જી. હોસ્પિટલના તબીબો સહિતના નાગરિકોએ મન ભરીને ધુળેટી મનાવી

જામનગર તા. 19 

રંગીલા જામનગર વાસીઓએ કોરોના કાળની બે વર્ષની મુક્તિ પછી આખરે આ વખતે ધુળેટીના રંગોત્સવની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. જામનગરના જિલ્લા કલેક્ટર, ઉપરાંત કૃષિ મંત્રી, તથા અન્ય રાજકીય આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાના તેમજ સેવાકીય સંસ્થાના અગ્રણીઓ સહિત નાના-મોટા અનેક નાગરિકોએ ધુળેટીના પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી, અને એકબીજાને રંગ લગાવી રંગોત્સવ મનાવ્યો હતો. અને સમગ્ર શહેર જિલ્લામાં ધુળેટીના પર્વની ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ હતી. અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. તેના માટે પોલીસ તંત્ર પણ ખડેપગે રહીને સજ્જડ બંદોબસ્ત જાળવ્યો હતો. જામનગર શહેર- જિલ્લાની જનતા ને બે વર્ષના કોરોના કાળ પછી આખરે આ વખતે મન ભરીને રંગોત્સવ મનાવવા માટેની તક મળી હતી. નાના ભૂલકાઓ પણ અવનવી ડીઝાઇન ની પિચકારી સાથે ધૂળેટીના રંગે રંગાયા હતા, અને જામનગર જિલ્લાની ઉત્સવ પ્રેમી જનતા દ્વારા ગઈકાલે રંગોત્સવ ના પર્વ 'ધૂળેટી'ની ઉત્સાહભર્યા વાતાવરણમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અનેક લોકોએ એકબીજા પર રંગ લગાવી ઉત્સાહ ભર્યા વાતાવરણમાં તહેવાર મનાવ્યો હતો.


જામનગર ના જિલ્લા કલેક્ટર ધૂળેટીના રંગે રંગાયા

જામનગર ના જિલ્લા કલેકટર સૌરભ પારધી કે જેઓ પણ ઉત્સવપ્રેમી છે, અને ધૂળેટીના રંગોત્સવ મનાવવામાં ઉત્સાહભેર જોડાયા હતા. જેઓએ પોતાના બંગલાના પ્રાંગણમાં જ ધુળેટીના ઉત્સવની ઉજવણી કરી હતી, અને કેટલાક પરીચિતો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ વગેરે સાથે રંગોત્સવ મનાવ્યો હતો, અને ધૂળેટીના રંગે રંગાયા હતા.


કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે પણ પરિવાર અને સ્વજનો સાથે રંગોત્સવ ઉજવ્યો

જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી એવા રાઘવજીભાઈ પટેલ દ્વારા પણ રંગારંગ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધૂળેટીના પર્વ એ પોતાના નિવાસસ્થાને હાજર રહ્યા હતા, અને પોતાના પરિવારજનો તેમજ અન્ય સમર્થકો સાથે ધુળેટીના પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી, અને એકબીજા ઉપર અબીલ-ગુલાલની છોળો ઉડાવી રંગારંગ પર્વ મનાવ્યો હતો.

પૂર્વ રાજ્યમંત્રી હકુભાએ પરિવાર સાથે વૃદ્ધાશ્રમમાં જઇ વડીલો સાથે રંગોત્સવ ઉજવ્યો

જામનગર શહેરના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) કે જેઓ પ્રતિવર્ષ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે રંગોત્સવ ના પર્વની ઉજવણી કરે છે, જે અનુસાર ધૂળેટીના પર્વના દિવસે સવારે આઠ વાગ્યે જામ રણજીતસિંહજી વૃધાશ્રમમાં જઈને ત્યાં રહેતા વડીલો સાથે પોતાના પરિવાર સહિત ધુળેટી નું પર્વ માનવવામાં આવ્યું હતું, અને વડીલોને તિલક હોળી કરી તેઓ સાથે ધૂળેટી મનાવી હતી. ત્યાર પછી એમ. પી. શાહ વૃદ્ધાશ્રમમાં પણ પરિવારજનો સાથે પહોંચી જઈ વડીલો સાથે ધુળેટીનો પર્વ મનાવ્યો હતો. જેથી વડીલો ભારે ખુશખુશાલ બન્યા હતા.

જામનગરની જી.જી.હોસ્પિટલમાં તબીબો પણ ધૂળેટીના રંગે રંગાયા

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના તબીબો તેમજ મેડીકલ કોલેજના સ્ટુડન્ટ તથા નર્સિંગ સ્ટાફ ના કર્મચારીઓ વગેરે કોરોના ની ત્રણ ત્રણ લહેર પછી કપરી કામગીરી પૂર્ણ કરીને ધૂળેટીના રંગે રંગાયા હતા. ગઈકાલે ધૂળેટીના દિવસે સવારના ૯ વાગ્યાથી જ પોતાના મેડિકલ સાધનો ને કોરાણે મૂકીને હાથમાં ગુલાલ ના રંગ સાથે મેડીકલ કેમ્પસ ઉપરાંત હોસ્ટેલ પરિસરમાં ઉતરી પડયા હતા, અને ખૂબ જ ઉત્સાહ ભર્યા વાતાવરણમાં ધુળેટીના પર્વની ભવ્ય ઉજવણી કરી હતી.જેથી તમામ તબીબી ક્ષેત્રે જોડાયેલા આરોગ્ય કર્મીઓના ચહેરા પર સ્મિત જોવા મળતું હતું.


જામનગરના બાલાચડીના દરિયા કિનારે માનવ મહેરામણ ઉમટી પડ્યો

જામનગર શહેરની ઉત્સવપ્રેમી જનતા કે જેઓએ કોરોના કાળ પછી આ વખતે ભારે ઉત્સાહપૂર્વક ધુળેટીના રંગ ઉત્સવ માં જોડાયા હતા. શહેરના જુદા જુદા અનેક વિસ્તારોમાં રંગારંગ કાર્યક્રમો થયા હતા, ઉપરાંત જામનગર નજીક આવેલા બાલાચડી ના દરિયા કિનારે પણ અનેક શહેરીજનોએ ઉમટી પડ્યા હતા, અને બાલાચડી નો સમગ્ર દરિયા કિનારો માનવ મહેરામણથી ઉમટી પડ્યો હતો. જ્યાં એકબીજાને કલર લગાવીને ધુળેટીનું પર્વ મનાવ્યા પછી બાલાચડી ના દરિયામાં ડૂબકી લગાવી હતી.


સમગ્ર શહેર-જિલ્લાના પોલીસ તંત્રએ સજ્જડ બંદોબસ્ત જાળવ્યો

જામનગર શહેર અને જિલ્લામાં ધૂળેટીના પર્વના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નીતીશ કુમાર પાંડે દ્વારા ખૂબ જ તકેદારી રાખવામાં આવી હતી, અને શહેર જિલ્લાના મોટાભાગના પોલીસ કર્મચારીઓ ધૂળેટીના પર્વના દિવસે પણ સંપૂર્ણ ગણવેશમાં સજ્જ થઈને પોતાની ફરજ પર રહ્યા હતા, અને વહેલી સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ખડે પગે રહી ને પોતાની ફરજ બજાવી હતી. જેને લઇને સમગ્ર જિલ્લામાં એક પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

કોઈપણ વ્યક્તિ વિના કારણે બીજા વ્યક્તિ પર રંગ ઉડાડવાની હિંમત પણ કરી ન હતી, અને એકંદરે શાંતિપૂર્ણ રીતે રંગોત્સવ ઉજવાયો હતો. જેથી રંગોત્સવ ના પર્વમાં પોલીસ નું સુરક્ષાકવચ ખૂબ જ મહત્ત્વનું રહ્યું હતું.

ધૂળેટીના તહેવાર દરમિયાન હાઈવે હોટલોમાં યુવાધન રંગે રંગાયું

જામનગર શહેર ના ખાનગી પાર્ટી પ્લોટ ઉપરાંત હાઈવે રોડ ઉપર આવેલી હોટલોમાં ધૂળેટીના તહેવાર ને લઈને રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા, અને તમામ સ્થળો પર અનેક યુવક-યુવતીઓ ડી.જે. ના તાલે તેમજ રંગોત્સવની ઉજવણીમાં મગ્ન બન્યા હતા.

જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલી કેટલીક ખાનગી હોટલો તેમજ પાર્ટીપ્લોટમાં તથા જામનગર શહેરના કેટલાક પાર્ટી પ્લોટ સહિતના સ્થળોએ યુવક યુવતીઓ રંગોના પર્વને મનાવવા માટે એકત્ર થયા હતા. જયાં આયોજકો દ્વારા જુદા-જુદા કલરની વ્યવસ્થા કરવામાં આવી હતી, સાથે સાથે ડી.જે. અને ઢોલ ના તાલે અનેક યુવક-યુવતીઓ ઉત્સાહભેર જોડાયા હતા. એટલું જ માત્ર નહીં આયોજકો દ્વારા રેઇન ડાન્સની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં પણ કાળઝાળ ગરમી વચ્ચે યુવાઓએ રેઇન ડાન્સ નો લાભ લીધો હતો, અને ઉત્સાહ ભર્યા વાતાવરણમાં રંગોત્સવ ના પર્વની ઉજવણી કરી હતી.