જામનગરના હરિપરમાં ડેરીઓ પર દરોડા: 7 હજાર લિટર દૂધ, વનસ્પતિ ઘી અને પાવડરના જથ્થાનો નાશ કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Fake Milk: જામનગર કાલાવડ તાલુકાના હરિપર ગામે 'નકલી દૂધ'ના કારોબાર અંગે રાજકોટ રેન્જ ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ટીમે ગામમાં છ ધંધાર્થીઓનાં રહેણાંક મકાનો તથા ડેરીઓમાં દરોડા પાડી મોટી માત્રામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ સહિતની સામગ્રી કબજે કરી હતી.
અધિકારીઓ દ્વારા દૂધના નમૂનાઓ લેવામાં આવ્યા
દરોડા દરમિયાન 7,150 લિટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી તથા 15 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો. આ જથ્થાને લઇને ખાદ્ય સુરક્ષા વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ દ્વારા દૂધના નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, દૂધના નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ બાદ જ તેમાં કયા પ્રકારની ભેળસેળ કરવામાં આવી હતી અને તે આરોગ્ય માટે કેટલું જોખમી છે તે અંગે સ્પષ્ટતા થશે. આ દરમિયાન, આરોગ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે મળી આવેલો શંકાસ્પદ જથ્થો નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ફૂડ સેફ્ટી વિભાગે તપાસ આગળ ધપાવી છે અને દૂધના નમૂનાઓના રિપોર્ટ બાદ જવાબદારો સામે વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.
7 હજાર લિટર દૂધ સહિતનો જથ્થો નાશ કરાયો
હરિપર ગામે થયેલી કાર્યવાહીમાં મોટી માત્રામાં શંકાસ્પદ દૂધ મળી આવતા તંત્ર પણ દોડતું થયું હતું. જપ્ત કરાયેલા શંકાસ્પદ દૂધ તથા અન્ય સામગ્રીને આરોગ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.









