Jamnagar

જામનગર નજીક નાઘેડી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા : 10,406 બોટલ, 5 વાહન સહિત રૂ.1.37 કરોડના મુદ્દામાલ સાથે બેની અટકાયત

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરના નાઘેડી ગામની સીમમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂની 10,406 બોટલો ઝડપી પાડી છે. ગાંધીનગરની ટીમે દરોડો પાડી 5 વાહનો, મોબાઈલ, રોકડ સહિત ₹1,37,81,471નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 6 મુખ્ય આરોપીઓ સહિત કેટલાક શખ્સોના નામ સામે આવ્યા છે. આ રેડથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક નાઘેડી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા : 10,406 બોટલ, 5 વાહન સહિત રૂ.1.37 કરોડના મુદ્દામાલ સાથે બેની અટકાયત

Jamnagar Liquor Raid : જામનગર તાલુકાના નાઘેડી ગામની સીમમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરની ટીમે દરોડો પાડી વિદેશી દારૂની નાની-મોટી બોટલો મળી કુલ 10,406 બોટલ ઝડપી પાડી હતી. પોલીસે દારૂની સાથે પાંચ વાહનો, મોબાઇલ ફોન, રોકડ રકમ, પ્લાસ્ટિકના દાણાના બોક્સ સહિતનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો છે. એફઆઈઆરમાં દર્શાવ્યા મુજબ કબજે કરાયેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ.1,37,81,471 થાય છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારીઓને મળેલી બાતમીના આધારે નાઘેડી ગામની સીમમાં પંચોની હાજરીમાં વાહનોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટાટા કંપનીનો બંધ બોડીનો ટ્રક નં. આરજે-14-જીટી-6136, અશોક લેલેન્ડ કંપનીના મોટા દોસ્ત વાહનો નં. જીજે-10-ટીવાય-0384 અને જીજે-36-વી-7210, તેમજ અન્ય બે વાહનોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
10,406 બોટલનો જથ્થો પોલીસે કબજે કરેલા દારૂમાં વિદેશી દારૂની 180 મિલીની બોટલો, 900 મિલીની બોટલોનો સમાવેશ થાય છે. માત્ર વિદેશી દારૂના જથ્થાની કિંમત જ રૂ.37,21,848 હોવાનું એફઆઈઆરમાં દર્શાવવામાં આવ્યું છે.
દારૂના જથ્થામાં રોયલ સ્ટેગ પ્રીમિયર વ્હિસ્કીની 180 મિલીની બોટલોનો જથ્થો રૂ.15,55,320 તથા 900 મિલીની બોટલોનો જથ્થો રૂ.15,55,320નો છે. જ્યારે વિદેશી દારૂની 180 મિલીની બોટલોની કિંમત રૂ.15,42,528 દર્શાવવામાં આવી છે.
વાહનો સહિત લાખોની કિંમતનો મુદ્દામાલ
દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા ટાટા કંપનીના ટ્રક નં. આરજે-14-જીટી-6136ની કિંમત રૂ.20 લાખ, અશોક લેલેન્ડના મોટા દોસ્ત વાહન નં. જીજે-10-ટીવાય-0384ની કિંમત રૂ.9 લાખ અને જીજે-36-વી-7210ની કિંમત રૂ.9 લાખ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બે વાહનો, ચાર મોબાઇલ ફોન, રોકડ રૂ.12,030, પ્લાસ્ટિકના દાણાના બોક્સ તથા વાહનોમાં ઉપયોગમાં લેવાયેલા તાડપત્રી સહિતનો મુદ્દામાલ પણ કબજે કરાયો હતો.
છ મુખ્ય આરોપીઓ સહિત અન્ય શખ્સોના નામ સામે આવ્યા
આ કેસમાં એફઆઈઆરમાં દીપક ઉર્ફે અટાપટુ જામનાદાસ જેઠાણી, યુવરાજસિંહ કાળુભા ચુડાસમા, રામ ઉર્ફે રામા જીવાભાઈ મોઢવાડિયા, કાના જીવાભાઈ મોઢવાડિયા, ઇરફાન કાસમ કોટડીયા તથા જિગેશ ઉર્ફે જિગો વિનોદ ભટ્ટ સહિતના શખ્સોના નામ નોંધાયા છે. વાહનોના માલિકો તથા ચાલકોની વિગતો પણ ફરિયાદમાં દર્શાવવામાં આવી છે.
નાઘેડી વિસ્તારમાં દારૂની હેરાફેરીની બાતમી પરથી કાર્યવાહી
ફરિયાદમાં જણાવ્યા મુજબ નાઘેડી ગામના વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી વાહનો મારફતે અન્ય સ્થળે પહોંચાડવાની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન અલગ-અલગ વાહનોની તપાસ કરતાં તેમાં છુપાવી રાખવામાં આવેલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના ભરતભાઈ પીઠાભાઈ ચાવડાની ફરિયાદના આધારે નાઘેડી પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા તથા ગુજરાત નશાબંધી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ માટે પોલીસ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. કુલ મળીને 10,406 બોટલ વિદેશી દારૂ, પાંચ વાહનો, ચાર મોબાઇલ ફોન, રોકડ રકમ તથા અન્ય સામગ્રી મળી રૂ.1.37 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે થતાં જામનગર જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.