જામનગરમાં હવે 50 ઈ-બસથી 11 રૂટ પર જાહેર પરિવહન સેવા : પીએમ ઈ-બસ સેવા અંતર્ગત વધુ 25 ઈ-બસનો પ્રારંભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર શહેરમાં નાગરિકોને આધુનિક, સુવિધાયુક્ત, સલામત અને પર્યાવરણને અનુકૂળ જાહેર પરિવહન સેવા મળી રહે તે માટે ભારત સરકારની પીએમ ઈ-બસ સેવા યોજના અંતર્ગત વધુ ૨૫ ઈલેક્ટ્રિક બસોના સંચાલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાંસદ પૂનમબેન માડમના હસ્તે આ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણી, દંડક પ્રવીણાબેન રૂપડીયા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના પદાધિકારીઓ, સભ્યો તથા ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉ કાર્યરત 25 ઈ-બસ ઉપરાંત હવે વધુ 25 બસ શરૂ થતાં જામનગર શહેરમાં કુલ 50 ઈ-બસ દ્વારા જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ બની છે. મહાનગરના વિવિધ વિસ્તારોને સુવ્યવસ્થિત રીતે જાહેર પરિવહનના નેટવર્ક સાથે જોડવા માટે વિવિધ રૂટ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ રૂટના માધ્યમથી શહેરના મુખ્ય વિસ્તારો ઉપરાંત રેલવે સ્ટેશન, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક વિસ્તારો, રહેણાંક વિસ્તારો તથા શહેરની આસપાસના ગામોને પણ જોડાણ મળશે.
ઈ-બસના નિર્ધારિત રૂટમાં સાત રસ્તા સર્કલથી વિભાપર ગામ, રામેશ્વરનગરથી મસીતીયા, સત રસ્તા સર્કલથી ચંગા ગામ, પટેલ સમાજથી અલિયા ગામ, માધાપરથી ટાઉન હોલ, પોલિટેકનિક કોલેજથી નારણપર, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, સર્ક્યુલર રૂટ સાત રસ્તા સર્કલથી સાત રસ્તા સર્કલ, દરબારગઢથી દરેડ, આઈ.એન.એસ. વાલસુરાથી દરબારગઢ, દરબારગઢથી સમર્પણ હોસ્ટેલ, સાત રસ્તા સર્કલથી વિજરખી ગામ, એપલ ગેટ-1થી મોટી ભલસાણ અને ટાઉન હોલથી નાઘેડી ગામ સહિતના રૂટનો સમાવેશ થાય છે.
ઈલેક્ટ્રિક બસોના સંચાલનથી શહેરમાં પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ જાહેર પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન મળશે. પરંપરાગત ઈંધણ આધારિત વાહનોની સરખામણીએ ઈ-બસોના ઉપયોગથી કાર્બન ઉત્સર્જન તથા વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવામાં મદદ મળશે. ઉપરાંત ઈલેક્ટ્રિક બસોના ઓછા અવાજને કારણે ધ્વનિ પ્રદૂષણ ઘટાડવામાં પણ યોગદાન મળશે.
ઈ-બસ સેવાના વિસ્તરણથી વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો સહિતના લોકોને દૈનિક અવરજવર માટે વિશ્વસનીય અને સુલભ જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ થશે. વિવિધ રહેણાંક વિસ્તારોને શૈક્ષણિક સંસ્થાઓ, રેલવે સ્ટેશનો, ઔદ્યોગિક વિસ્તારો તથા શહેરના મહત્વના સ્થળો સાથે જોડતા રૂટના કારણે નાગરિકોની અવરજવર વધુ સરળ બનશે.
જાહેર પરિવહન સેવાના વિસ્તરણથી નાગરિકોને ખાનગી વાહનોના વિકલ્પ તરીકે જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પ્રોત્સાહન મળશે. જેના પરિણામે ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટાડી ટ્રાફિકનું ભારણ ઘટાડવા, ઈંધણની બચત કરવા તથા શહેરી વાહનવ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.
પીએમ ઈ-બસ સેવા યોજના અંતર્ગત જામનગર શહેરમાં કુલ 50 ઈ-બસનું સંચાલન શરૂ થવું શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાના આધુનિકીકરણ તથા પર્યાવરણલક્ષી શહેરી વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આ આધુનિક જાહેર પરિવહન સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરી સ્વચ્છ, હરિત, સુગમ અને ટકાઉ જામનગરના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.




