Jamnagar

જામનગરના શ્રાવણી મેળાની તડામાર તૈયારી : હવે 6 દિવસ બાકી , નાની-મોટી 14 રાઈડ્સ ગોઠવવાની કામગીરી શરૂ

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં 1 થી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા શ્રાવણી મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં પ્લોટ ફાળવણી શરૂ થઈ છે. 39 પ્લોટમાંથી મનપાને અંદાજે ₹1.70 કરોડની આવક થઈ છે. વિવિધ રાઈડ્સ અને મનોરંજનના સાધનો સાથે ધંધાર્થીઓ મેળા મેદાન ખાતે પહોંચવા લાગ્યા છે. પોલીસ, ફાયર અને અન્ય વિભાગોની મંજૂરી માટે વેપારીઓની દોડધામ શરૂ થઈ છે. સલામતી માટે CCTV મોનિટરિંગ અને પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના શ્રાવણી મેળાની તડામાર તૈયારી : હવે 6 દિવસ બાકી , નાની-મોટી 14 રાઈડ્સ ગોઠવવાની કામગીરી શરૂ

Jamnagar News : જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાન ખાતે આગામી તા.1 થી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા પરંપરાગત શ્રાવણી મેળાની તૈયારીઓ હવે વેગ પકડી રહી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્લોટ ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે વિવિધ રાઈડ્સ અને મનોરંજનના સાધનો સાથે ધંધાર્થીઓ પણ મેળા મેદાન ખાતે પહોંચવા લાગ્યા છે.
મહાનગરપાલિકા દ્વારા મેળાના વિવિધ પ્લોટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાર પ્લોટ વેચાયા વગરના રહ્યા હોવાનું જાણવા મળે છે, જ્યારે 39 પ્લોટમાંથી મનપાને અંદાજે રૂ.1.70 કરોડની આવક થઈ છે. એસ્ટેટ સહિતની વિવિધ શાખાઓની ટીમોની હાજરીમાં પ્લોટોની માપણી કરી ક્ષેત્રફળ મુજબ ચૂનાના પટ્ટા વડે સ્થળો નિશ્ચિત કરવાની કામગીરી કરવામાં આવી છે.
મેળો શરૂ થવાને હવે ગણતરીના 6 દિવસ બાકી રહ્યા હોવાથી મેળામાં ધંધો કરવા આવનાર વેપારીઓ અને રાઈડ્સ સંચાલકોમાં લાયસન્સ સહિતની જરૂરી મંજૂરીઓ મેળવવા માટે દોડધામ શરૂ થઈ ગઈ છે. ધંધાર્થીઓના જણાવ્યા મુજબ ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતાં હવે એસડીએમ કચેરી, ફાયર બ્રિગેડ, પોલીસ વિભાગ સહિતની વિવિધ કચેરીઓમાં મંજૂરી માટે ચક્કર કાપવા પડી રહ્યા છે.
રાઈડ્સની સલામતી અને ફિટનેસ ચકાસણી માટે મામલતદાર તેમજ પી.ડબલ્યુ.ડી.ના મિકેનિકલ ઈજનેરો દ્વારા તપાસ કર્યા બાદ જરૂરી મંજૂરી આપવામાં આવશે. ધંધાર્થીઓએ મેળા સ્થળે જ વિવિધ વિભાગોના ટેબલ સાથે એક જ સ્થળે કેમ્પ યોજવાની વ્યવસ્થા કરવામાં આવે તો સમય અને પ્રક્રિયાનો બોજ ઓછો થઈ શકે તેવી માંગણી પણ વ્યક્ત કરી છે.
દરમિયાન મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ સામે સુરક્ષાની દૃષ્ટિએ જરૂરી વીમા પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે. સાતમ-આઠમ સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને સમગ્ર મેળા વિસ્તારનું સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.
મોટા લોકો માટે જોઈન્ટ વ્હીલ, બ્રેક ડાન્સ, ટોરાટોરા, નાવડી, મેજીક ડીશ, કટરપિલર સહિતની મોટી રાઈડ અને બાળકોની ટ્રેન જમ્પિંગ વગેરે 12 જેટલી નાની રાઈડ અલગથી લગાવવામાં આવી રહી છે.