Gujarat

જૈન ધર્મના પૂ. પંન્યાસ શ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા

By GS Team
6 Jul 20212 mins read
This article was originally published on 6 Jul 2021
જૈન ધર્મના પૂ. પંન્યાસ શ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા

- અગ્નિદાહ ઉપરાંત પાલખી ઉપાડવા, ધુપિયા, દિવી, દોણી ઉપાડવા વગેરેમાં રૂા.૨.૪૫ કરોડનો ચઢાવો 

જામનગર


જૈન ધર્મના પરમપૂજય પંન્યાસ પ્રેમ રામચંદ્રસુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, પ.પૂ. પંન્યાસ શ્રી વિદ્રંકર વિજયજીગણિના શિષ્ય, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદ સુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ.પૂ. પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેન વિજયજી ગણિવર્યશ્રી ગઈકાલે તા. પમીએ રાત્રે ૧૦.રપ વાગ્યે સકળ સંઘના મુખે નમસ્કાર મહામંત્રનું સ્મરણ-શ્રવણ કરતાં પૂર્ણ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. આજે તેમની પાલખી યાત્રા નિકળી હતી. જેમાં વિશાળ જૈન જૈનનતરો જોડાયા હતા.

પૂ. વજ્રસેન વિજયજી મહારાજ સાહેબની ગઈકાલે સાંજે તબિયત નાદુરસ્ત થતાં તેમની તાકીદે ઓશવાળ કોલોની ઉપાશ્રયમાં પધરામણી કરાવી સારવાર ચાલુ કરવામાં આવી હતી. તેમની  નાદુરસ્ત તબિયતના સમાચાર મળતાં અનેક ભાવિકો ત્યાં પહોંચી ગયા હતા અને સમૂહમાં નમસ્કાર મહામંત્રના જાપ-ધૂન કરવામાં આવ્યા હતા. રાત્રે ૧૦.રપ વાગ્યે મહારાજશ્રીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ સમયે જૈન સમાજના સાધુ-સાધ્વીજીઓ, મહાસતિજીઓ, જૈન અગ્રણીઓ, ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતાં અને સૌએ તેમને અશ્ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી.

તેઓની પાલખીયાત્રા સાંજે ૪ વાગ્યે ઓશવાળ કોલોની દેરાસર - ઉપાશ્રયથી પ્રસ્થાન થઈ હતી. આજે પાલખી યાત્રા  પહેલાં બપોરે બે વાગ્યે ચડાવાની વિધિ કરવામાં આવી હતી. જેમાં અગ્નિ દાહ માટે ૧ કરોડ ૪૫ લાખ ઉપરાંત પાલખી ઉપાડવા, ધુપિયા, દિવી, દોણી ઉપાડવાના વગરે અંગે ચઢવામાં કુલ રૂ.બે કરોડ ૪૫ લાખનો ચઢાવો થયો હતો. આ પછી પાલખી યાત્રા નીકળી હતી અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં જામનગરના ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ વિશાળ સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પાલખી યાત્રા ઓશવાળ કોલોનીથી નીકળી હતી અને વિવિધ વિસ્તારમાંથી પસાર થઈ કામદાર કોલીની દેરાસર પહોંચી હતી, જ્યાં તેઓની અંતિમવિધિ કરવામાં આવી હતી.