જામનગર-લાલપુર રોડ પર 3 માનવીનો ભોગ લેનાર કારના ચાલક સામે પોલીસ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : લાલપુર-દરેડ રોડ પર માધવ વિહાર સોસાયટીથી દરેડ તરફની ગોળાઈ પાસે ગઈ તા.31ની રાત્રે પૂરઝડપે અને બેફિકરાઈથી દોડી આવેલી કિયા કારના ચાલકે ડિવાઇડર કૂદાવી રોંગ સાઇડમાં જઈ સીએનજી રિક્ષા અને ત્યારબાદ મોટરસાઇકલને હડફેટે લેતાં ત્રણ વ્યક્તિના મોત નિપજાવવાના બનાવમાં મૃતક ગુલાબચંદ ઉર્ફે બાબુભાઈ મોખરાના પુત્રની ફરિયાદના આધારે પોલીસે કિયા કારના ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.
શ્રાવણ માસના ત્રીજા સોમવારે ગુલાબચંદ ઉર્ફે બાબુભાઈ મોખરા પોતાના પરિવારજનો સાથે ગઈ તા.30ની રાત્રે આશરે નવ વાગ્યે સીએનજી રિક્ષામાં લાલપુરના ભોળેશ્વર મહાદેવના દર્શને ગયા હતા. દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે તા.31ની રાત્રે આશરે દોઢ વાગ્યાના અરસામાં લાલપુરથી દરેડ તરફ જતા રોડ પર માધવ વિહાર સોસાયટીથી દરેડ તરફની ગોળાઈ પહેલાં કિયા કાર નંબર જીજે-10-ઇએચ-4439ના ચાલકે કાર પૂરઝડપે અને બેફિકરાઈથી હંકારી ડિવાઇડર કૂદાવી રોંગ સાઇડમાં જઈ સામેથી આવતી સીએનજી રિક્ષા નંબર જીજે-03-બીયુ-3154ને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતમાં રિક્ષામાં સવાર ગુલાબચંદ મોખરા સહિત પરિવારજનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ પાછળથી આવતી મોટરસાઇકલ નંબર જીજે-03-સીસી-6952ને પણ કિયા કારના ચાલકે અડફેટે લેતાં તેના પર સવાર નોમાન હારૂનભાઈ સમા (ઉંમર 19)અને નવીન શકુરભાઈ પઠાણ (ઉંમર 19)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી કિયા કાર સ્થળ પર જ મૂકી ચાલક નાસી ગયો હતો.
ઇજાગ્રસ્તોને અલગ અલગ 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ કરતાં ગુલાબચંદ ઉર્ફે બાબુભાઈ મોખરા (ઉંમર 62), નોમાન સમા (ઉંમર 19) અને નવીન પઠાણ (ઉંમર 19)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અરૂણાબેન મોખરા, ક્રિશ મોખરા, ધર્મિષ્ઠાબેન હિંગોરિયા, અંશીબેન હિંગોરિયા, પરમ હિંગોરિયા, અંજલી મોખરા, દર્શન મોખરા સહિતના ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, શ્રાવણ માસના ત્રીજા સોમવારના પગલે લાલપુર રોડ પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ તથા વાહનચાલકોની અવરજવર હોવા છતાં કિયા કારના ચાલકે માનવજીંદગી જોખમાય તે રીતે પૂરઝડપે અને બેફિકરાઈથી કાર ચલાવી ડિવાઇડર કૂદાવી રોંગ સાઇડમાં જઈ રિક્ષા અને મોટરસાઇકલને અડફેટે લીધી હતી. જેમાં ત્રણ વ્યક્તિના મોત અને અન્ય લોકોને ઇજાઓ પહોંચી હતી. આ અંગે પોલીસે ફરિયાદના આધારે કિયા કારના ચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.




