Jamnagar

‘છોટી કાશી’ જામનગરમાં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે અનેક શિવાલયોમાં ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજયો

By GS Team
31 Aug 20263 mins read
TukuTouch Logo
જામનગરમાં શ્રાવણના ત્રીજા સોમવારે 'છોટી કાશી' ભક્તિમય બની હતી. વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભાવિકો દર્શન અને પૂજા માટે ઉમટી પડ્યા હતા. 'હર હર મહાદેવ'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ જળાભિષેક કરી બિલિપત્ર અર્પણ કર્યા. વરસાદની ઘટ વચ્ચે મેઘરાજાને વરસાવવા ભોળાનાથને પ્રાર્થના કરાઈ હતી. પોલીસ તંત્ર દ્વારા પણ વ્યવસ્થા જાળવવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

‘છોટી કાશી’ જામનગરમાં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે અનેક શિવાલયોમાં ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજયો

Jamnagar Shravan Special : ‘છોટી કાશી’ તરીકે પ્રચલિત અને નાના-મોટા અસંખ્ય શિવાલયોથી શોભતા જામનગર શહેરમાં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે આજે વહેલી સવારથી જ શિવભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. શહેરના વિવિધ શિવ મંદિરોમાં સવારથી જ ભાવિકો દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા હતા. શિવાલયોમાં ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
શ્રાવણ માસના સોમવારનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી વહેલી સવારથી જ ભક્તોએ ભગવાન ભોળાનાથના દર્શન કરી શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો. ભાવિકોએ બિલિપત્ર, ફૂલ અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરી ભગવાન શિવની આરાધના કરી હતી. અનેક શિવાલયોમાં ભક્તો દ્વારા રુદ્રાભિષેક સહિતની વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી.
જામનગરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર તેમજ જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર અને મણીકંકેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં સવારથી જ ભક્તોની અવરજવર જોવા મળી હતી.
શિવાલયોમાં પહોંચેલા શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર પવિત્ર જળ ચઢાવી બિલિપત્ર અર્પણ કર્યા હતા અને ભગવાન શિવ સમક્ષ મનોકામના વ્યક્ત કરી હતી. શ્રાવણના ત્રીજા સોમવારે પણ અનેક પરિવારો દ્વારા સામૂહિક રીતે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. કેટલાક મંદિરોમાં ભક્તોએ ઉપવાસ અને ધાર્મિક અનુષ્ઠાન સાથે ભગવાન ભોળાનાથની ભક્તિ કરી હતી.
મેઘરાજાની કૃપા માટે ભક્તોની પ્રાર્થના
દરમિયાન, આ વર્ષે જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજા હજુ સુધી જોઈએ તેવી કૃપા વરસાવી શક્યા નથી. શ્રાવણ માસ અડધો પૂર્ણ થઈ ગયો છે અને ઓગસ્ટ માસનો પણ અંત આવી ગયો છે ત્યારે વરસાદની ઘટ વચ્ચે ખેડૂતો સહિત સમગ્ર જનસમુદાયની નજર હવે મેઘરાજા તરફ મંડાયેલી છે.
શ્રાવણના ત્રીજા સોમવારે શિવાલયોમાં દર્શનાર્થે આવેલા અનેક ભક્તોએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કરી ‘હે મહાદેવ, હવે મેઘરાજાને વરસાવો’ તેવી ભાવભીની પ્રાર્થના કરી હતી. ભગવાન શિવની કૃપાથી સારો વરસાદ વરસે, જળાશયો ભરાય અને ખેડૂતોને રાહત મળે તેવી કામના સાથે ભક્તોએ શિવલિંગ સમક્ષ માથું ટેકવ્યું હતું.
વરસાદની કાગડોળે રાહ જોતા શહેર-જિલ્લાના લોકો માટે શ્રાવણના આ સોમવારે શિવભક્તિ સાથે મેઘરાજાની કૃપાની પ્રાર્થના પણ મુખ્ય ભાવના બની રહી હતી. શિવાલયોમાં વહેલી સવારથી શરૂ થયેલી ભક્તોની અવરજવર બપોર સુધી ચાલુ રહી હતી.
શ્રાવણ માસના સોમવારને લઈને શહેરના મુખ્ય શિવ મંદિરો તથા આસપાસના વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભક્તોને દર્શનમાં સરળતા રહે તે માટે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા પણ જરૂરી તકેદારી રાખવામાં આવી હતી. શિવાલયોની આસપાસ સ્વચ્છતા તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ સંબંધિત તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
આમ, શ્રાવણ માસના ત્રીજા સોમવારે ‘છોટી કાશી’ જામનગરના શિવાલયોમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો અને ભગવાન ભોળાનાથના ચરણોમાં માથું ટેકવતા ભક્તોના હૃદયમાં એક જ પ્રાર્થના હતી ‘મહાદેવ, જામનગર-જિલ્લા પર મેઘકૃપા વરસાવો.’