જામજોધપુર પંથકમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાના પ્રકરણમાં નવો વણાંક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામજોધપુર પંથકમાં સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નવ માસનો ગર્ભ પૂર્ણ થતાં સગીરાને પ્રસૂતિની પીડા ઉપડતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેણે બાળકીને જન્મ આપ્યો હતો. આ બનાવ અંગે જામજોધપુર પોલીસ મથકમાં પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતાં પોલીસે સુરેન્દ્રનગર પંથકમાંથી આરોપીને ઝડપી પાડી અદાલતમાં રજૂ કર્યો હતો. અદાલતના આદેશ બાદ આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો છે.
બનાવની વિગતો મુજબ, સુરેન્દ્રનગર પંથકના પૃથ્વીરાજસિંહ ઝાલાની આશરે બે વર્ષ પહેલાં જામજોધપુર પંથકની એક સગીરા સાથે સામાજિક રીતે સગાઈ થઈ હતી. જોકે, ત્યારબાદ સામાજિક કારણોસર બંનેની સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ ફોક થયા બાદ પણ આરોપીએ સગીરા સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. સામાજિક પ્રસંગો દરમિયાન થતી મુલાકાતો બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હોવાની વિગતો સામે આવી છે.
આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો આક્ષેપ છે. સગીરાની ઉંમર ૧૭ વર્ષ અને સાત માસની હતી ત્યારે આરોપીએ તેની સાથે શારીરિક સંબંધો બાંધી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. જોકે, સગીરાને ગર્ભ રહી ગયા બાદ અને પ્રસૂતિનો સમય નજીક આવવા છતાં આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.
દરમિયાન, સગીરાને પ્રસૂતિની પીડા ઉપડતાં તેને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેણે બાળકીને જન્મ આપ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને ભોગ બનનાર સગીરાના પરિવારજનો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
આ બનાવ અંગે જામજોધપુર પોલીસ મથકમાં પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે કાર્યવાહી કરીને સુરેન્દ્રનગર પંથકમાંથી આરોપી પૃથ્વીરાજસિંહ ઝાલાને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને અદાલતમાં રજૂ કરવામાં આવતાં અદાલતના આદેશથી જેલહવાલે કરવામાં આવ્યો હતો. હાલમાં સગીરા અને નવજાત બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.




