Jamnagar

જામનગરમાં કચરો ફેંકવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે સામસામે મારામારી : માતા-પુત્રી અને યુવક સહિત ચારને ઇજા

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં કચરો ફેંકવા મુદ્દે પાડોશીઓ વચ્ચે બોલાચાલી મારામારીમાં પરિણમી. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા માતા-પુત્રી અને યુવક સહિત 4 વ્યક્તિને ઇજા પહોંચી. એક પક્ષે લોખંડના પાઇપથી હુમલાનો અને બીજા પક્ષે લાકડાના ધોકાથી હુમલાનો આક્ષેપ કર્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં કચરો ફેંકવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે સામસામે મારામારી : માતા-પુત્રી અને યુવક સહિત ચારને ઇજા

Jamnagar Crime : જામનગરના ખોજાનાકા વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં ઘરની બહાર કચરો ફેંકવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે થયેલો બોલાચાલીનો મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. બંને પક્ષે સામસામે હુમલાના આક્ષેપો સાથે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં માતા-પુત્રી અને યુવક સહિત ચાર વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. એક પક્ષે લોખંડના પાઇપથી હુમલો કર્યાનો, જ્યારે સામા પક્ષે લાકડાના ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાયાનો આક્ષેપ કર્યો છે.
પ્રથમ ફરિયાદ સિરિનબેન મહમદભાઈ હમીરાણીએ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા.30ના સવારે સાડા નવેક વાગ્યે તેમના ઘર પાસે કચરો પડેલો હોવાથી પાડોશમાં રહેતા હનીફભાઈ સમાણીએ તેમની માતા રસીદાબેનને કચરો ઉપાડી લેવા કહેતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સિરિનબેન સમજાવવા જતાં તેમને પણ ગાળો આપવામાં આવી હતી. બાદમાં હનીફભાઈની પત્ની બાનુબેન અને પુત્ર મોસીન ત્યાં આવી પહોંચ્યા હતા અને મોસીનના હાથમાં લોખંડનો પાઇપ હતો.
ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે મોસીન સાથે ઝપાઝપી દરમિયાન તેણે પાઇપનો એક ઘા સિરિનબેનના જમણા હાથની આંગળીઓના ભાગે અને બીજો ઘા માથાના જમણા ભાગે માર્યો હતો, જ્યારે બાનુબેને તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો. રસીદાબેન વચ્ચે પડતાં મોસીને પાઇપના ઘા તેમના ડાબા હાથ અને છાતીના ભાગે માર્યા હોવાનો પણ આક્ષેપ છે. હુમલામાં સિરિનબેનના માથામાં ટાંકા આવ્યા હતા તથા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે રસીદાબેનના ડાબા હાથમાં પણ ટાંકા આવ્યા હતા. બંનેને શરીરના અન્ય ભાગે મૂઢ ઇજાઓ થઈ હતી. સિરિનબેન ચાર માસની ગર્ભવતી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બીજી તરફ મોસીનભાઈ હનીફભાઈ સમાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ઘરની બહાર કચરો ફેંકવાના મુદ્દે તેમના પિતાએ પાડોશમાં રહેતા રશીદાબેનને કચરો નહીં ફેંકવા કહેતાં રશીદાબેને તેમના પિતા સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. મોસીનભાઈ તથા તેમના માતા બાનુબેન બહાર આવતાં રશીદાબેનની પુત્રી સિરિનબેન પણ હાથમાં લાકડાનો ધોકો લઈને આવી હતી. બંને મહિલાઓએ ગાળો આપી તેમની માતા સાથે ઝપાઝપી કરતાં મોસીનભાઈ વચ્ચે પડ્યા હતા.
ફરિયાદ મુજબ, આ સમયે સિરિનબેને લાકડાના ધોકાથી મોસીનભાઈના માથામાં ઘા માર્યો હતો અને ત્યારબાદ બંને મહિલાઓએ તેમને ઢીકાપાટુનો માર મારી માથા તથા શરીરે મૂઢ ઇજાઓ પહોંચાડી હતી. સિરિનબેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. લોહી નીકળતી ઇજા થતાં મોસીનભાઈને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આમ, એક જ કચરો ફેંકવાના મુદ્દે થયેલા ઝઘડામાં બંને પક્ષે સામસામે હુમલાના આક્ષેપો કરી ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદના આધારે મારામારી, ગાળો, ધમકી અને એકબીજાને મદદગારી સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.