જામનગરમાં બાળકોના મુદ્દે થયેલી બોલાચાલી બાદ વૃદ્ધની હત્યા પ્રકરણમાં આરોપી માતા-પુત્રની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર શહેરના સેતાવાડ વિસ્તારમાં ગત શનિવારે સાંજે બાળકોના મુદ્દે થયેલી બોલાચાલી બાદ વૃદ્ધની હત્યા કરવામાં આવી હોવાના ચકચારી બનાવમાં પોલીસે આરોપી માતા-પુત્રની ધરપકડ કરી છે. બંને આરોપીઓને વધુ તપાસ માટે રિમાન્ડની માંગ સાથે આજે તા. 1 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
સેતાવાડ વિસ્તારમાં ગીગામેતાની શેરીની સામેની ગલીમાં રહેતા ચાકી સમાજના પ્રમુખ ઇબ્રાહીમભાઈ સિદ્દીકભાઈ ચાકીની હત્યા મામલે તેમના પુત્ર સાદિકની ફરિયાદના આધારે પોલીસે અમન અસલમભાઈ ઘાંચી તથા તેની માતા હવાબેન અસલમભાઈ ઘાંચી સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ મુજબ, તા. 29 ઓગસ્ટના રોજ સાંજે શેરીમાં બાળકો રમતા હતા તે દરમિયાન હવાબેન દ્વારા બાળકો તરફ મરચાની ભૂક્કી ઉડાડવામાં આવતાં બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઇબ્રાહીમભાઈ નમાજ પઢીને ઘરે આવ્યા હતા અને હવાબેનને નાના બાળકોને હેરાન નહીં કરવા કહેતાં બંને વચ્ચે માથાકૂટ થઈ હતી.
આ બોલાચાલી દરમિયાન હવાબેને પોતાના પુત્ર અમનને કહેતાં અમને લાકડાના ધોકાથી ઇબ્રાહીમભાઈના માથામાં ઘા ઝીંક્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ગંભીર ઇજાના પગલે ઇબ્રાહીમભાઈનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે મૃતકના પુત્ર સાદિકની ફરિયાદના આધારે પોલીસે આરોપી અમન અસલમભાઈ ઘાંચી અને તેની માતા હવાબેન અસલમભાઈ ઘાંચીની ધરપકડ કરી છે. બંનેને વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડની માંગ સાથે આજે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




