Jamnagar

જામનગરમાં પ્રેમલગ્નના મનદુઃખમાં છરીથી હુમલો, સામસામે ફરિયાદ નોંધાઈ

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં પ્રેમલગ્નના મનદુઃખે કોમલનગર પુલ નીચે સમોસાની રેકડીએ બબાલ થઈ હતી. એક પક્ષે રુત્વિક વરણને ખભામાં છરી માર્યાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજા પક્ષે સમોસા લેવા ગયેલા મનસુખ સિંગરખિયાને માર મારી માથામાં ઇજા પહોંચાડવા ઉપરાંત છરીથી હુમલાનો પ્રયાસ થયાની સામસામી ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પ્રેમલગ્નના મનદુઃખમાં છરીથી હુમલો, સામસામે ફરિયાદ નોંધાઈ

Jamnagar: જામનગરમાં પ્રેમલગ્નના મનદુઃખને લઈને કોમલનગર પુલ નીચે સમોસાની રેકડીએ બે પક્ષ વચ્ચે બબાલ થઈ હતી. આ બનાવમાં પ્રેમલગ્ન કરનાર યુવકને ખભામાં છરી મારી ઇજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે, જ્યારે બીજી તરફ સમોસા લેવા ગયેલા શ્રમિકને માર મારી માથામાં ઇજા પહોંચાડવા ઉપરાંત છરીથી હુમલો કરવાનો પ્રયાસ કરાયાની સામસામી ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ ફરિયાદ મુજબ, જામનગરના સિદ્ધાર્થનગર શેરી નં. 4માં રહેતા અને વાહન ચલાવવાનું કામ કરતા રુત્વિકભાઈ સુરેશભાઈ વરણ (ઉં.વ. 22)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા. 22 ઓક્ટોબરની રાત્રે નવેક વાગ્યે તેઓ કોમલનગર પુલ નીચેના શૌચાલય પાસે થઈને પસાર થતા હતા ત્યારે મુન્ના વાઘેલાએ તેમને અટકાવ્યા હતા. મુન્ના વાઘેલાની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખીને ગાળો આપી ડાબા ખભામાં છરી મારી લોહીલુહાણ કરી દીધા હોવાનો આક્ષેપ કર્યો છે. આ ફરિયાદના આધારે પોલીસે મુન્ના વાઘેલા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), ૩૫૨ તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે.
સામે પક્ષની ફરિયાદ મુજબ, સિદ્ધાર્થનગર શેરી નં. 5, વામ્બે આવાસ રોડ પર રહેતા અને મજૂરીકામ કરતા મનસુખભાઈ અમરાભાઈ સિંગરખિયા (ઉં.વ. 52)એ જણાવ્યું છે કે, તેઓ સમોસા લેવા મુન્ના વાઘેલાની રેકડીએ ગયા હતા ત્યારે ઇરફાન, રુત્વિક વરણ અને એક અજાણ્યો શખસ ત્યાં આવ્યા હતા. પ્રેમલગ્નના મુદ્દે મુન્ના વાઘેલા સાથે બોલાચાલી થતાં તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ રુત્વિકે પોતે મુન્ના વાઘેલાનો સાથ આપતા હોવાનું માની તેમની સાથે ગાળાગાળી કરી હતી. ઇરફાન અને અન્ય અજાણ્યા શખસે ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે રુત્વિકે છરીથી હુમલો કરવાનો પ્રયાસ કરતાં છરી પકડી લેતાં માથાના પાછળના ભાગે ઇજા થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. ઇજાગ્રસ્ત મનસુખભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલ લઈ જવાયા હતા. આ ફરિયાદમાં રુત્વિક વરણ, ઇરફાન અને એક અજાણ્યા શખસ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રેમલગ્નના મનદુઃખમાં સર્જાયેલી આ બબાલ અંગે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતાં સીટી-સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.