બેંકની તિજોરીમાંથી 39.48 લાખના દાગીના ચોરી પિયુને નકલી મુકી દીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર : જામનગરમાં ઈન્ડિયન બેંકની તિજોરીમાંથી રૂ.૩૯.૪૮ લાખના લોન માટે ગીરવે મૂકાયેલા સોનાના દાગીનાની ચોરીનો પર્દાફાશ થયો છે. બેંકના પટાવાળાએ અસલ દાગીનાની ચોરી કરી તેની જગ્યાએ ડુપ્લિકેટ દાગીના મૂકી મિત્રને વેચવા આપ્યા હતા. ચાંદી બજારમાં બન્ને કટકે-કટકે દાગીના વેચવા આવતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. બેંક મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ૩ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
રણજીતસાગર રોડ પર આવેલી ઈન્ડિયન બેંકની શાખાના પટ્ટાવાળા હસમુખભાઈ પારિયાએ બ્રાન્ચ મેનેજરની ચેમ્બરના ખાનામાં રાખેલી તિજોરીની ચાવી કોઈ રીતે મેળવી તિજોરીનું લોક ખોલી અને બેંકમાં ગોલ્ડલોનના ગીરવે મૂકાયેલા સોનાના દાગીના કાઢી લીધા બાદ તેની જગ્યાએ ડુપ્લિકેટ દાગીના મૂકી દીધા હતા. ત્યારબાદ ચોરાયેલા દાગીના તેના મિત્ર વિજયભાઈ આલાભાઈ વધોરાને વેચવા માટે આપ્યા હતા અને બંને જણા તાજેતરમાં ચાંદી બજારમાં સોનુ વેંચવા માટે આવ્યા હતા. તે કટકે કટકે સોનુ વેચી રહ્યા હતા, દરમિયાન પોલીસને આ અંગેની માહિતી મળી જતાં સિટી એ ડિવિઝનના પી.આઇ. વિપુલસિંહ ડોડીયા અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ચાંદી બજાર વિસ્તારમાં તપાસણી કરી બંને આરોપીઓને સોનાના દાગીના સાથે ઝડપી લીધા હતા અને પોલીસ મથકમાં લઈ આવી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી.
બેંકમાંથી દાગીના ચોરી કર્યા હોવાનું ખુલતા પોલીસે બેંક મેનેજરને જાણ કરી હતી તેથી તપાસણી કરી બેંકની તિજોરીમાં રાખવામાં આવેલા ગોલ્ડ લોનના દાગીનાની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન ૪ ગ્રાહકોના રૂ.૩૯.૪૮ લાખની કિંમતના અસલ સોનાના દાગીનાની જગ્યાએ ડુપ્લિકેટ દાગીનાના પેકેટ મળી આવ્યા હતા. આમ, પોલીસની સતર્કતાના કારણે સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો હતો.
બેંકમાં ગીરવે મૂકાયેલા રૂ.૩૯.૪૮ લાખના દાગીનાની ચોરી કરનાર બેંકના પટ્ટાવાળા હસમુખભાઈ પારિયા તથા તેના મિત્ર વિજયભાઈ આલાભાઈ વધોરા સામે બેંકના મેનેજર હેમરાજભાઈ નરેન્દ્રકુમાર ગજરાની ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા બન્નેના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પટાવાળો શેર બજારના સટ્ટામાં મોટી રકમ હારી ગયો હોવાથી આ તરકટ રચ્યુ હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળી રહ્યું છે. પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.




