જામનગરના યુવક મંડળની અનોખો ગણેશોત્સવ : 350થી વધુ સ્વયંસેવકોએ આખી રાત જાગીને બનાવ્યો 18 હજાર લાડુનો મહાપ્રસાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : ગણેશોત્સવની ધામધૂમભરી ઉજવણી વચ્ચે જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા જય અંબે મિત્ર મંડળ દ્વારા ભગવાન ગણેશજીને અનોખો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. ગણેશ પંડાલમાં 350થી વધુ સ્વયંસેવકોએ આખી રાત મહેનત કરીને અંદાજે 18 હજાર જેટલા લાડુ તૈયાર કર્યા હતા.
કૃષ્ણનગર શેરી નંબર-4ના ગરબી ચોકમાં છેલ્લા 21 વર્ષથી જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે ગણેશજી માટે અલગ પ્રકારનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે વિશાળ પ્રમાણમાં લાડુનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. લાડુ બનાવવા માટે 500 કિલો ભડકુ, 250 કિલો ગોળ, 2000 કિલો ઘી, 30 ડબ્બા તેલ તેમજ આશરે 25 કિલો કાજુ, કિસમિસ અને બદામ જેવા ડ્રાયફ્રૂટ્સ ઉપરાંત 3 કિલો જાયફળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ વિશાળ આયોજનમાં 250થી વધુ મહિલાઓ તથા 200થી વધુ પુરુષો અને બાળકો સહિત 350થી વધુ સ્વયંસેવકોએ રાતભર જાગીને લાડુ બનાવવાની કામગીરી કરી હતી. દિવસ દરમિયાન કાચી સામગ્રી એકત્ર કરવામાં આવી હતી અને રાત્રિના સમયે લાડુ બનાવવાનું શરૂ કરાયું હતું. સવાર સુધીમાં લાડુનો મહાપ્રસાદ તૈયાર થઈ ગયો હતો.
તૈયાર કરવામાં આવેલા લાડુ ભગવાન ગણેશજીને ધરાવવામાં આવ્યા હતા. મહાઆરતી બાદ 15,551 લાડુ ભક્તોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવશે, જ્યારે આશરે 2,500 લાડુ અબોલજીવોને ખવડાવવામાં આવશે. આ રીતે ગણેશોત્સવની ઉજવણી સાથે સેવાભાવ અને જીવદયાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.




