જામનગરની 66 વર્ષ જૂની ભારતમાતા આદર્શ ગરબીમાં ધાર્મિક-ઐતિહાસિક પાત્રોની વેશભૂષા સાથે અનોખા રાસની પરંપરા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Navratri Special : જામનગરની પ્રાચીન અને લોકપ્રિય ગરબીઓમાં સ્થાન ધરાવતી લીમડા લેન, પટેલ ચોક સ્થિત શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ આ વર્ષે સ્થાપનાનાં 66મા વર્ષમાં પ્રવેશ્યું છે. વર્ષોથી પરંપરાગત રાસ-ગરબા, પ્રાચીન ગરબા-દુહા-છંદની ગાયકી, શિસ્તબદ્ધ આયોજન અને ધાર્મિક તથા ઐતિહાસિક પાત્રોની આકર્ષક વેશભૂષા માટે જાણીતી આ ગરબી નવરાત્રિ દરમિયાન લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે.
મંડળની પરંપરાનો ઇતિહાસ જામનગરમાં વસવાટ શરૂ થયો તે સમય સાથે જોડાયેલો છે. મંડળના આયોજકોના જણાવ્યા અનુસાર, રામાણી પરિવારના સ્વ. ભાણજીભાઈ સંઘરાજભાઈ રામાણી તથા તેમના બંધુઓ કરાચીમાં વસવાટ દરમિયાન પણ નવરાત્રિની ઉજવણી કરતા હતા. વર્ષ 1947માં જામનગર સ્થળાંતર કર્યા બાદ પરિવારે અહીં પણ નવરાત્રિ મહોત્સવની પરંપરા શરૂ કરી હતી. વિવિધ સ્થળોએ ઉજવણી કર્યા બાદ લીમડા લેનના પટેલ ચોક વિસ્તારમાં સ્થાનિક લોકોના સહકારથી શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 2010માં મંડળે સુવર્ણજયંતીની ઉજવણી કરી હતી.
વેશભૂષાવાળી ગરબી મુખ્ય આકર્ષણ આ ગરબીની વિશેષતા ધાર્મિક અને ઐતિહાસિક પાત્રોની વેશભૂષા ધારણ કરીને રમવામાં આવતા ડાંડિયા રાસ છે. ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતાજી, કૃષ્ણ, રાધાજી, ભગવાન શિવ, ગણેશજી, હનુમાનજી, રાવણ, છત્રપતિ શિવાજી, સિકંદર, ઋષિમુનિ, જટાયુ સહિતનાં વિવિધ પાત્રોની વેશભૂષામાં યુવકો એક જ મંચ પર રાસ રમે છે, જે દર્શકો માટે આકર્ષણરૂપ બને છે. બાળાઓના રાસ-ગરબા પણ પરંપરાગત માહોલને વધુ જીવંત બનાવે છે.
સાંપ્રદાયિક એકતાનું પ્રતીક શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળની વિશેષ ઓળખ તેની સામાજિક સમરસતા પણ છે. વિસ્તારના મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી પરિવારો ગરબીના આયોજનમાં સક્રિય સહભાગી બની સેવા આપે છે. આઠમના દિવસે આર્ય સમાજ દ્વારા વૈદિક યજ્ઞનું આયોજન પણ કરવામાં આવે છે. આમ, ધાર્મિક પરંપરા સાથે અનેકતામાં એકતાનો સંદેશ પણ આ ગરબી દ્વારા આપવામાં આવે છે.
પ્રવેશ નિઃશુલ્ક, શિસ્તબદ્ધ આયોજન ગરબીના આયોજન માટે કોઈની પાસેથી ફરજિયાત ફંડ ઉઘરાવવામાં આવતું નથી. સ્થાનિક રહેવાસીઓ અને શુભેચ્છકોના સ્વૈચ્છિક આર્થિક સહયોગથી આયોજન કરવામાં આવે છે. રાસ-ગરબા રમતાં ખેલૈયાઓ કે ગરબી નિહાળવા આવતા દર્શકો પાસેથી કોઈ પ્રવેશ ફી લેવામાં આવતી નથી. ઇનામી ડ્રો કે ટિકિટની વ્યવસ્થા પણ રાખવામાં આવતી નથી.
મંડળે વર્ષ 1995, 1996 અને 1998માં ‘નોબત’ સાંધ્ય દૈનિક તથા જામનગર પોલીસ દ્વારા યોજાયેલી શ્રેષ્ઠ શિસ્ત અને વ્યવસ્થાની ગરબી મંડળ સ્પર્ધામાં વિજેતાપદ મેળવ્યું હતું. વર્ષ 2008માં જામનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી નિર્મળ ગરબા મેદાન સ્પર્ધામાં શહેરમાં દ્વિતીય સ્થાન સાથે રૂ.50 હજારનો રોકડ પુરસ્કાર મેળવ્યો હતો. ગુજરાતી સાપ્તાહિક ‘અભિયાન’ના સર્વેક્ષણમાં પણ મંડળની ગરબીએ ટોપ-ટેનમાં સ્થાન મેળવ્યું હતું.
ગરબીના આયોજનમાં અમૃતલાલ રામાણી બ્રધર્સ, જીતુભાઈ રામાણી બ્રધર્સ, લલિતભાઈ રામાણી બ્રધર્સ, પ્રફુલભાઈ લીંબાસિયા, દિનેશભાઈ લીંબાસિયા, હરિભાઈ ગજેરા, અશોકભાઈ પાબારી સહિતના કાર્યકરો યોગદાન આપે છે. રાસ-ગરબાની નૃત્યરચના, વેશભૂષા, રંગભૂષા, મંડપ, ધ્વનિ વ્યવસ્થા, વિદ્યુત સુશોભન અને બેનર પ્રદર્શન માટે પણ વિવિધ સભ્યો સેવા આપે છે.
આધુનિકતાની અસર વચ્ચે ગુજરાતી સંસ્કૃતિ, પરંપરાગત રાસ-ગરબા અને ધાર્મિક ભાવનાને જાળવી રાખતી શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળની ઉજવણી જામનગરની સાંસ્કૃતિક ઓળખને જીવંત રાખવામાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે.




