જામનગર: નોકરી કરતી પત્ની પણ ભરણપોષણની હકદાર, વચગાળાનું ભરણપોષણ ન ચૂકવનાર પતિને 110 દિવસની જેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરની અદાલતે ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળના એક મહત્વપૂર્ણ કેસમાં નોંધપાત્ર આદેશ આપતાં સ્પષ્ટ કર્યું છે કે પત્ની નોકરી કરતી હોય અને આવક મેળવતી હોય છતાં જો તે આવક જીવનનિર્વાહ માટે પૂરતી ન હોય તો તે ભરણપોષણ મેળવવાની હકદાર છે. વચગાળાના ભરણપોષણની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેલા પતિને અદાલતે 110 દિવસની સાદી કેદની સજા ફટકારી જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે.
કેસની હકીકત મુજબ અરજદાર તસ્લીમબેન નદીમ કુરેશીએ ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ અરજી દાખલ કરી હતી. અરજદારના જણાવ્યા મુજબ તેમના મુસ્લિમ શરિયત મુજબ આશરે 14 વર્ષ પહેલાં નદીમ સલીમ કુરેશી સાથે નિકાહ થયા હતા. લગ્નજીવન દરમિયાન ત્રણ પુત્રીઓનો જન્મ થયો હતો. પુત્રની ઇચ્છા રાખતા પતિ અને તેના પરિવારજનો દ્વારા અરજદારને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ રૂપિયાની માંગણી પણ કરવામાં આવતી હતી.
અરજદારને આંગણવાડીમાં નોકરી કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા અને તેઓ હાલ માસિક આશરે રૂપિયા 10,000નો પગાર મેળવે છે. તેમ છતાં પતિ અને પરિવારજનો દ્વારા વારંવાર ઘરેથી કાઢી મૂકવાના બનાવો બન્યા હતા. બાદમાં પતિ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. ગુમ થયાની ફરિયાદ બાદ પતિ હાજર થઈ તેમણે આયશા અયુબ સાટી સાથે બીજા નિકાહ કર્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અરજદારે પોલીસમાં અરજી કરી અને બાદમાં પતિ, તેમની બીજી પત્ની તથા પરિવારજનો સામે ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.
સુનાવણી દરમિયાન સામાવાળા તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે અરજદાર નોકરી કરે છે અને આવક મેળવે છે, તેથી તેઓ ભરણપોષણ મેળવવા હકદાર નથી. જ્યારે અરજદાર તરફે વકીલ શ્રી જીતેન્દ્ર એમ. નાખવાએ દલીલ કરી હતી કે પત્નીની આવક જીવનનિર્વાહ માટે પૂરતી નથી તેમજ પતિએ કાયદેસર તલાક લીધા વગર બીજા લગ્ન કર્યા છે. આ ઉપરાંત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદાઓ પણ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
બંને પક્ષોની રજૂઆતો અને પુરાવાઓ ધ્યાને લઈ અદાલતે અરજદાર તથા તેમની ત્રણેય પુત્રીઓના હિતમાં વચગાળાના તબક્કે દર મહિને રૂપિયા 6,000 ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો. જોકે પતિએ આ હુકમનું પાલન ન કરતાં કુલ રૂપિયા 66,000નું ભરણપોષણ બાકી થયું હતું. બાકી રકમ વસૂલાતની અરજીમાં પતિએ પોતાની બીમારીનું કારણ દર્શાવી રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જામનગરના એડિશનલ સિવિલ જજ શ્રી યુ.એસ. પરમારે નદીમ સલીમ કુરેશીને વચગાળાના ભરણપોષણની રકમ ન ચૂકવવાના કારણે 110 દિવસની સાદી કેદની સજા ફટકારી જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.
આ કેસમાં અરજદાર તસ્લીમ નદીમ કુરેશી તરફે વકીલ શ્રી જીતેન્દ્ર એમ. નાખવા, ગુજરાત હાઇકોર્ટના વકીલ સંજુ જે. નાખવા તેમજ ટ્રેની વકીલ ભરત એચ. ચંદન અને રીટા જી. રાઠોડ રોકાયેલા હતા.




