જામનગર: જામજોધપુરમાં વરસાદી પાણીના પ્રવાહમાં તણાયેલા બે બાળકોનો આબાદ બચાવ, કાલાવડની સ્કૂલમાં પાણી ઘૂસ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Heavy Rain In Jamnagar: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ગુરુવારે(2 જુલાઈ)એ 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદને પગલે ખરાવાડ વિસ્તારમાં પાણીનો જોરદાર પ્રવાહમાં બે બાળકો તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જો કે, સ્થાનિકોએ બંને બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. બીજી તરફ, કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક ગ્રામજનો અને સરપંચ દ્વારા સ્કૂલના બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.
જામજોધપુરમાં પાણીના તેજ પ્રવાહમાં તણાયેલા બે બાળકોનો આબાદ બચાવ
જામજોધપુરમાં ધોધમાર વરસાદ થતાં અનેક જગ્યાએ પાણી-પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહમાં બે બાળકો તણાઈ જતાં સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, નજીકમાં હાજર રહેલા બે સ્થાનિક યુવાનોએ સમયસૂચકતા અને બહાદુરી દાખવી જીવના જોખમે પાણીમાં ઝંપલાવી બંને બાળકોને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. સમયસર કરાયેલા બચાવ કામગીરીના કારણે બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં બંને યુવાનોની બહાદુરીની સ્થાનિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં રાહતનો શ્વાસ લેવાયો હતો. ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા અથવા પાણીના તેજ પ્રવાહવાળા વિસ્તારોમાં બાળકોને એકલા ન જવા દેવા તેમજ નાગરિકોએ ખાસ સાવચેતી રાખવા તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે.
કાલાવડમાં પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ઘૂસ્યા, વિદ્યાર્થીઓએ સલામત બહાર કઢાયા
બીજી તરફ, કાલાવડ તાલુકામાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સતત વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ફરી વળતાં વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો તેમજ ગામના સરપંચ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બાળકોને પાણીના વહેણ વચ્ચેથી એક પછી એક સલામત રીતે બહાર કાઢ્યા હતા.
બાળકોના સુરક્ષિત બચાવની સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ગ્રામજનો અને સરપંચ બાળકોને પાણીમાંથી બહાર લાવતા જોવા મળે છે. આ દિલધડક દ્રશ્યો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ બાળકોનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો હતો.









