માથેરાન ફરવા ગયેલા જામનગરના સેક્શન ઓફિસર સાથે ઓનલાઈન છેતરપિંડી : ભેજાબાજોએ બે બેંક એકાઉન્ટમાંથી નાણા ઉપાડી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Fraud Case : ધ્રોલ તાલુકાના હરીપર ગામના રહેવાસી અને ઉપલેટા ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરીમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા હાર્દિકકુમાર ચનાભાઈ ભંડેરી (પટેલ) સાથે ઓનલાઈન છેતરપિંડીનો બનાવ બન્યો હતો. અજાણ્યા શખ્સે તેમના મોબાઈલનો કોઈ બનાવટી એપ્લિકેશન મારફતે અથવા અન્ય રીતે પ્રવેશ મેળવી બેંક ખાતા તથા પાસવર્ડની માહિતી મેળવી બે અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ રૂ.3,06,969 ઉપાડી લીધા હતા.
ફરિયાદી હાર્દિકકુમાર ભંડેરી પોતાની પત્ની સાથે તા.23 ઓગસ્ટે હરીપર ગામથી ટ્રેન મારફતે મહારાષ્ટ્રના માથેરાન ખાતે ફરવા ગયા હતા. તા.24 ઓગસ્ટે માથેરાન પહોંચ્યા બાદ ત્યાં મોબાઈલ નેટવર્કની સમસ્યા હોવાથી બીજા દિવસે તા.25 ઓગસ્ટે સવારે ગુજરાત ભવન હોટલનું વાઈ-ફાઈ ચાલુ કર્યું હતું.
દરમિયાન મિત્રને ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોવાથી મોબાઈલમાં પોતાના એચડીએફસી બેંક ખાતાનું બેલેન્સ તપાસતાં ખાતામાંથી અલગ-અલગ યુપીઆઈ મારફતે રકમ ઉપડી ગયાનું ધ્યાનમાં આવ્યું હતું. તપાસ કરતાં એચડીએફસી બેંકના ખાતામાંથી રૂ.57,000, રૂ.99,999, રૂ.1 લાખ અને રૂ.1 લાખ મળી કુલ રૂ.2,59,999 ઉપડી ગયા હતા.
ત્યારબાદ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનું ખાતું તપાસતાં તેમાંથી પણ રૂ.1,300, રૂ.8,860 અને રૂ.4,961 મળી કુલ રૂ.15,221 ઉપડી ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદી દ્વારા સાયબર છેતરપિંડી થયાની જાણ થતાં તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 ઉપર સંપર્ક કરી બંને બેંક ખાતામાંથી ઉપડેલી રકમ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 318(4) તથા માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




