Jamnagar

જામનગરવાસીઓ શું તમે નકલી ઘી તો નથી ખાઈ રહ્યા ને ?, રવાણી ખીજડીયાની સીમમાંથી બનાવટી ઘીની ફેક્ટરી ઝડપાઈ

By GS Team
21 Nov 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં રવાણી ખીજડીયા ગામની સીમમાં એક વાડીમાંથી બનાવટી ઘી બનાવતું કારખાનું પકડાયું છે. પંચકોષી A ડિવિઝન પોલીસે દરોડો પાડી 932 લીટર બનાવટી ઘી સહિત કુલ ₹5.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરત અને મનસુખ ખીમસુરીયા આ પ્રવૃત્તિ ચલાવતા હતા. ફૂડ વિભાગે ઘીના નમૂના લઈ તપાસ અર્થે મોકલ્યા છે, જ્યારે 500 લીટર ઘીનો નાશ કરાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરવાસીઓ શું તમે નકલી ઘી તો નથી ખાઈ રહ્યા ને ?, રવાણી ખીજડીયાની સીમમાંથી બનાવટી ઘીની ફેક્ટરી ઝડપાઈ

Fake Ghee Factory Jamnagar : જામનગરવાસીઓના આરોગ્ય સાથે ખિલવાડ કરનારાઓ બેફાન બન્યા છે. જાણે કોઈનો ડર ન હોય તેમ છાશવારે બનાવટી વસ્તુઓની ફેક્ટરીઓ ઝડપાય છે. જિલ્લાના રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી એક વાડીમાંથી બનાવટી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પંચકોષી A ડિવિઝન પોલીસે દરોડા પાડી કુલ રૂ. 5.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી દ્વારા ઘીના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, પંચકોષી A ડિવિઝનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે બાતમી મળી હતી કે રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી વાડીમાં ભરત ખીમસુરીયા અને મનસુખ ખીમસુરીયા બનાવટી ઘી બનાવવાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે.

પોલીસે રેડ કરી બનાવટી ઘીની ફેક્ટરી ઝડપી, માલિક પણ ઝડપાયો

મળેલી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતાં મનસુખ ખીમસુરીયા સ્થળ પર હાજર મળી આવ્યા હતા અને ત્યાં મશીનરી દ્વારા બનાવટી ઘી બનાવવાની કામગીરી પણ ચાલુ હતી. આ મામલે ફૂડ વિભાગને જાણ કરાતા અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘીના જથ્થાનું પરીક્ષણ કરતા જ માલુમ પડ્યું હતું કે તે બનાવટી છે.

500 લિટર બનાવટી ઘીના જથ્થાનો સ્થળ પર જ નાશ

સ્થળ પર 200 મિલીના 2,160 ડબ્બા ભરેલા મળી આવ્યા હતા, જેના પર 'કે.ટી. બંધન કાઉ પ્યોર ઘી'ના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. આ જથ્થાને ફૂડ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યો હતો. આ સિવાય બાકીના આશરે 500 લિટર બનાવટી ઘીના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા ઘીના નમૂના લઈ તપાસ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કુલ રૂ. 5.77 લાખનો મુદ્દામાલ જપ્ત

ફૂડ વિભાગની તપાસમાં જો આ સેમ્પલ ફેઈલ નીકળશે તો, આરોપીઓને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરાશે. હાલમાં પોલીસ દ્વારા અંદાજે 932 લિટર બનાવટી ઘી સહિત કુલ રૂ. 5,77,840ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.