Jamnagar

નવરાત્રિ પૂર્વે જામનગર પોલીસ એલર્ટ મોડમાં : રેલવે-બસ સ્ટેશન સહિત જાહેર સ્થળોએ સઘન ચેકિંગ

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં નવરાત્રિના તહેવારો પૂર્વે પોલીસ એલર્ટ બની છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા SOG શાખા દ્વારા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડ સાથે સઘન ચેકિંગ હાથ ધરાયું. મુસાફરો અને તેમના સામાનની ઝીણવટભરી તપાસ કરાઈ. કોઈ શંકાસ્પદ ગતિવિધિ ન થાય તે માટે પોલીસ સતર્ક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રિ પૂર્વે જામનગર પોલીસ એલર્ટ મોડમાં : રેલવે-બસ સ્ટેશન સહિત જાહેર સ્થળોએ સઘન ચેકિંગ

Jamnagar : આગામી નવરાત્રિના તહેવારોને અનુલક્ષીને જામનગર શહેર-જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જેના ભાગરૂપે આજે જામનગરના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ એસઓજી શાખા દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમને સાથે રાખીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સૌપ્રથમ જામનગર રેલવે સ્ટેશન ખાતે એસઓજીની ટીમો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ તથા ડોગ સ્કોડની ટીમો સાથે મહિલા પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતા. ટીમો દ્વારા રેલવે સ્ટેશન પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં આવતા-જતા મુસાફરો અને તેમને લેવા-મૂકવા માટે આવતા લોકોના વાહનોની પણ બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત રેલવે સ્ટેશનના વિવિધ પ્લેટફોર્મ પર બેઠેલા મુસાફરો તથા યાત્રિકોના સામાનની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. કોઈ શંકાસ્પદ વસ્તુ કે શંકાસ્પદ હિલચાલ જણાય છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા રેલવે સ્ટેશનના વિવિધ વિસ્તારોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને નશીલા પદાર્થો સહિતની કોઈ શંકાસ્પદ ચીજવસ્તુની હેરફેર થતી નથી ને તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી.
નવરાત્રિના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો જાહેર સ્થળો તથા ગરબી-રાસના સ્થળોએ એકત્રિત થવાના હોવાથી પોલીસ તંત્ર દ્વારા આગોતરી તકેદારીના ભાગરૂપે આ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન બાદ બસ સ્ટેશન સહિતના અન્ય સંવેદનશીલ અને ભીડભાડવાળા વિસ્તારોમાં પણ પોલીસ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
નવરાત્રિના દિવસોમાં શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તથા કોઈ અસામાજિક તત્વ કે શંકાસ્પદ વ્યક્તિ દ્વારા અનિચ્છનીય પ્રવૃત્તિ ન આચરવામાં આવે તે માટે પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ અને ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે.