પાકિસ્તાન-બાંગ્લાદેશમાં પડદા પાછળ ચાલી રહ્યો છે મોટો ખેલ? ઈઝરાયલનો દાવો, ભારતને ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel Envoy Warning India : ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રિયુવેન અઝારે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદી હુમલાઓને લઈને ભારત સહિત વૈશ્વિક સ્તરે ગંભીર ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારત, ઈઝરાયેલ અને વિશ્વના તમામ દેશોએ હવે આતંકવાદની એક નવી લહેરનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. આતંકવાદી સંગઠનો સરકારો અને સુરક્ષા એજન્સીઓ કરતાં વધુ ઝડપે પોતાની સજ્જતા વધારી રહ્યા હોવાથી સુરક્ષા તંત્રએ તેમનાથી પણ વધુ ત્વરિત ગતિએ કામ કરવું પડશે.
આતંકવાદની આગામી લહેર સામે સતર્ક રહેવા ઍલર્ટ
રિયુવેન અઝારે જણાવ્યું હતું કે, 'આતંકીઓ આપણા કરતાં ઝડપી છે અને આપણે તેમનાથી પણ વધુ તેજ બનવું પડશે. જો આતંકવાદની આગામી લહેરથી બચવું હોય તો સતત સતર્ક રહેવું પડશે અને સમયસર તૈયારીઓ કરવી પડશે. આપણે ચપળતાપૂર્વક ઝડપી પગલાં લેવા પડશે, જેથી આતંકની નવી લહેર સામે અગમચેતી રાખી શકાય. અને આ નવી લહેર ચોક્કસ આવશે જ.'
પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હમાસના કમાન્ડરોની હાજરીનો દાવો
આતંકી સંગઠનો વચ્ચે વધી રહેલા સંકલન અંગે તેમણે ગંભીર દાવો કરતાં જણાવ્યું હતું કે, 'છેલ્લા એક વર્ષમાં હમાસના વરિષ્ઠ કમાન્ડરો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સક્રિય જોવા મળ્યા છે. હમાસના અગ્રણી નેતાઓ નાઝી ઝાહિર અને ખાલિદ અલ-કદૂમી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા કાર્યક્રમોમાં પણ સામેલ થયા છે. વર્ષ 2025નો પહલગામ આતંકી હુમલો આ પ્રભાવનું જ એક ઉદાહરણ છે. હમાસે સ્થાનિક સંગઠનોને પ્રેરિત કર્યા છે અને તેમની બેઠકો યોજાઈ હોવાની વિગતો સામે આવી છે, જોકે પડદા પાછળ ખરેખર શું ચાલી રહ્યું છે તેની સંપૂર્ણ વિગતો હજી સ્પષ્ટ નથી.'
ફ્લાયદુબઈ વિમાનમાં 174 મુસાફરો સામે મોટો ખતરો
આ ચેતવણી ફ્લાયદુબઈ વિમાનમાં બનેલી ઘટનાની ચાલી રહેલી તપાસ વચ્ચે સામે આવી છે, જેમાં ઓમાનના કો-પાઇલટ હમામ અલ-હમ્મામીએ ફ્લાઇટમાં ભારતીય કૅપ્ટન સ્મિત મછાર પર હુમલો કરીને 174 મુસાફરો ભરેલા વિમાનનું નિયંત્રણ લેવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઈજાઓ છતાં કૅપ્ટને મુકાબલો કરી કોકપિટ ખોલી નાખતાં મુસાફરોએ કો-પાઈલટ પર કાબૂ મેળવ્યો હતો અને વિમાનનું સાઉદી અરેબિયામાં સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. આ અંગે રાજદૂતે જણાવ્યું હતું કે, 'તપાસમાં હજુ એ સ્પષ્ટ નથી થયું કે આ કોઈ એક વ્યક્તિનું કૃત્ય હતું કે તેની પાછળ કોઈ મોટું કાવતરું હતું, પરંતુ આ એક ગંભીર અને જીવંત ખતરો છે.'
9/11 જેવા સંકટ સામે ઈઝરાયેલે ફાઇટર જેટ્સ સજ્જ કર્યા હતા
આવી કટોકટીમાં ઈઝરાયેલની સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, 'આવી સ્થિતિમાં વાયુસેનાને તાત્કાલિક ઍલર્ટ કરવામાં આવે છે અને રાજકીય નેતૃત્વને જાણ કરાય છે, ત્યારબાદ વિમાનને રોકવાનો નિર્ણય લેવાય છે.' જો આ વિમાનથી 9/11 જેવો કોઈ ખતરો હોવાની આશંકા ઊભી થાત, તો ઈઝરાયેલ તેને તોડી પાડવા સુધીનો નિર્ણય પણ લઈ શક્યું હોત. જોકે વિમાન સાઉદી અરેબિયા તરફ વળતાં તૈનાત કરાયેલા ફાઇટર જેટ્સને પરત બોલાવી લેવાયા હતા.
કૅપ્ટન સ્મિત મછાર અને મુસાફરોની બહાદુરીને સલામ
ભારતીય પાયલટ અને મુસાફરોના અસાધારણ સાહસની પ્રશંસા કરતાં રિયુવેન અઝારે જણાવ્યું હતું કે, 'કૅપ્ટન સ્મિત મછાર અને વિમાનમાં સવાર મુસાફરોની બહાદુરીએ એક ખૂબ મોટી દુર્ઘટના ટાળી દીધી છે. તેમના અદ્ભુત સાહસ અને હિંમતના કારણે જ આ હુમલો સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો છે.'




