જામનગર : કસ્ટડીમાંથી રિવોલ્વર છીનવી ભાગવા જતાં આરોપી પર પોલીસનું ફાયરિંગ, મધ્યપ્રદેશથી લાવતા લીંબડી નજીક બની ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police Encounter : જામનગરના સીટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશથી પકડી જામનગર લાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક આરોપીએ પોલીસ કર્મચારીની સરકારી સર્વિસ પિસ્તોલ ઝૂંટવી લઈ પોલીસ પર ફાયરિંગ કરી નાસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ દ્વારા સ્વબચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપીના પગમાં ગોળી વાગતા તે નીચે પડી ગયો હતો અને પોલીસે તેને ઝડપી લઈ ઝૂંટવાયેલી સરકારી પિસ્તોલ પણ સુરક્ષિત રીતે પરત મેળવી લીધી હતી.
જામનગરના ડ્રગ્સ કેસ તેમજ પોલીસ પાર્ટી પર હુમલાના કેસમાં ફરારી આરોપી ઠાકુર કલમીયા ડામોરની 28 નવેમ્બરના રોજ બપોરે 3.30 વાગ્યે મધ્યપ્રદેશના જાબુઆ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ સ્ટાફ સરકારી તથા ખાનગી વાહન મારફતે આરોપીને જામનગર લાવવા રવાના થયો હતો.
લીંબડી નજીક હોટલ પાસે નાસવાનો પ્રયાસ
28 નવેમ્બરના રોજ મધરાતે આશરે 1.30 વાગ્યે અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પસાર કર્યા બાદ આરોપીએ કુદરતી હાજતે જવાનું કહેતાં રામાધણી હોટલ પાસે વાહનો રોકવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારી આરોપીને હોટલની સાઇડમાં લઈ ગયા ત્યારે આરોપીએ અંધારાનો લાભ લઈ પોલીસ કસ્ટડીમાંથી નાસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી તેમની કમરના ભાગે રાખેલી સરકારી સર્વિસ પિસ્તોલ બળજબરીપૂર્વક ઝૂંટવી લીધી હતી. ત્યારબાદ પિસ્તોલ લોડ કરી પોલીસ પાર્ટી સામે તાકી નાસવા લાગ્યો હતો.
ચેતવણી અવગણી પોલીસ પર ફાયરિંગ
પરિસ્થિતિની ગંભીરતા પારખીને સાથે રહેલા પીએસઆઈએ આરોપીને હથિયાર નીચે મૂકી શરણે થવા વારંવાર ચેતવણી આપી હતી. જોકે આરોપીએ ચેતવણીને અવગણી પોલીસ પાર્ટી પર જીવલેણ હુમલાના ઇરાદે ફાયરિંગ કર્યું હતું. આરોપીને રોકવા અને સરકારી હથિયાર પરત મેળવવા પીએસઆઈએ હવામાં ફાયરિંગ કર્યું હતું, છતાં આરોપીએ નાસવાનું ચાલુ રાખી ફરી પોલીસ પર ગોળીબાર કર્યો હતો.
સ્વબચાવમાં પગ તરફ ફાયરિંગ, આરોપી ઝડપાયો
આખરે આરોપીને કાબૂમાં લેવા પીએસઆઈએ સ્વબચાવમાં આરોપીના જમણા પગ તરફ ફાયરિંગ કર્યું હતું. ગોળી જમણા પગની ઘૂંટીથી ઉપરના ભાગે વાગતાં આરોપી સ્થળ પર જ નીચે પડી ગયો હતો. પોલીસે તાત્કાલિક વિસ્તારને કોર્ડન કરી આરોપીના હાથમાંથી ઝૂંટવાયેલી સરકારી પિસ્તોલ સુરક્ષિત રીતે પરત મેળવી લીધી હતી.
ઈજાગ્રસ્ત આરોપી સુરેન્દ્રનગર રીફર, પોલીસ કર્મચારીને પણ ઈજા
ઘટના બાદ પીએસઆઈએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્ત આરોપીને લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તબીબોએ તેને સુરેન્દ્રનગર રીફર કર્યો હતો. ઝપાઝપી દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મચારીએ પણ લીંબડીની હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી.




