જામનગર પાલિકાના ફાયર વિભાગને 10 નવા અત્યાધુનિક વાહનોની સોગાદ : જૂના 14 વાહનો સેવામુક્ત કર્યા બાદ નવા વાહનો ઉમેરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Fire Brigade :જામનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાં આગ સહિતની આકસ્મિક આપત્તિના સમયે નાગરિકોની જાનમાલની સુરક્ષા વધુ સુદૃઢ બને તે હેતુથી જામનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના કાફલામાં 10 નવા અત્યાધુનિક વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અદ્યતન ટેકનોલોજી અને જરૂરી સાધન-સામગ્રીથી સજ્જ આ નવા વાહનોના કારણે આગ તથા અન્ય આપત્તિના બનાવોમાં ફાયર વિભાગની રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વાહન ફિટનેસ તથા વાહન સ્ક્રેપિંગ નીતિ અંતર્ગત છેલ્લા વર્ષ દરમિયાન જામનગર ફાયર સર્વિસના મુદત પૂર્ણ કરી ચૂકેલા 14 જેટલા જૂના વાહનોને કાયદેસર રીતે સેવામુક્ત કરવામાં આવ્યા હતા. જૂના વાહનોના સ્થાને ફાયર અને ઇમરજન્સી સેવાઓને વધુ સક્ષમ બનાવવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા નવા અત્યાધુનિક વાહનોની ખરીદી કરવામાં આવી છે.
નવા કાફલામાં 4 વોટર બાઉઝર, 3 મલ્ટીપર્પઝ ફાયર ટેન્ડર, 2 મિની ફાયર ટેન્ડર અને 1 ટોયોટા હાઇલેક્સ કોન્વોય વ્હીકલનો સમાવેશ થાય છે. આમ, કુલ 10 નવા વાહનો ફાયર વિભાગના કાફલામાં ઉમેરવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં સાંકડા અને ગીચ માર્ગો ઉપરાંત ઔદ્યોગિક વિસ્તારો તથા હાઇરાઇઝ ઇમારતોમાં આગ કે અન્ય આપત્તિ સર્જાય ત્યારે સ્થળ પર ઝડપથી પહોંચી જરૂરી રાહત-બચાવ કામગીરી હાથ ધરવી પડતી હોય છે. નવા વાહનોના સમાવેશથી આવી પરિસ્થિતિમાં ફાયર બ્રિગેડની ટીમને વધુ સક્ષમ અને આધુનિક સાધનો સાથે કામગીરી કરવાની સુવિધા મળશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સલામતી, જાનમાલનું રક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન સેવાઓને વધુ સજ્જ તથા આધુનિક બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવા વાહનોનો કાફલામાં સમાવેશ પણ આ દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.




