જામનગરમાં પાડોશીનું પિશાચી કૃત્ય! ઘરે રમવા આવતી 13 વર્ષીય બાળકી પર વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ, આરોપીની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Minor Assault Case: જામનગર શહેરની નંદનવન સોસાયટી વિસ્તારમાં 13 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવમાં પાડોશમાં રહેતા લાલજી લખમણ મકવાણા સામે બાળકી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ભોગ બનનાર બાળકી આરોપીની દીકરી સાથે રમવા ઘરે જતી હતી
બાળકીના પરિવારજનોએ જામનગરના સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે પ્રમાણે ભોગ બનનાર બાળકી આરોપીની દીકરી સાથે રમવા માટે તેના ઘરે જતી તે દરમિયાન છેડછાડ અને દુષ્કર્મ આચર્યું હોવાનો ઉલ્લેખ પરિવાર દ્વારા ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસે આરોપી લાલજી મકવાણા સામે પોક્સો એક્ટ સહિતની સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
જામનગર ગ્રામ્યના ઇન્ચાર્જ Dy.spએ કહ્યું કે-
જામનગર 'એ' પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિટી 'એ' પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિસ્તારમાં ગઈ રાત્રે એક પાડોશી દ્વારા તેની બાજુમાં રહેતા એક સગીર વયની બાળા સાથે શારીરિક છેડછાડ કર્યું હતું. તે અનુસંધાને પોક્સો અને બી.એન.એસ. એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને કેસના આરોપી લાલા મકવાણા નામના વ્યક્તિની અટક કરવામાં આવેલી છે અને પોક્સોની પ્રવર્તમાન ગાઈડલાઇન મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આજના સમયમાં આવી દુઃખદ અને ચોંકાવનારી ઘટનાઓ સમગ્ર સભ્ય સમાજ માટે એક મોટો કલંક અને ચિંતાનો વિષય છે. માતા-પિતા અને પરિવારે પોતાના બાળકોની સુરક્ષા પ્રત્યે અત્યંત સતર્ક અને જાગૃત રહેવું જરૂરી છે, કારણ કે ઘણીવાર અતિશય વિશ્વાસમાં પાડોશ કે પરિચિત જગ્યાઓ પર પણ બાળકીઓ અસુરક્ષિત બની જતી હોય છે. બાળકો સાથે ખુલ્લેઆમ વાતચીત કરવાનો માહોલ બનાવવો જોઈએ, જેથી તેઓ પોતાની સાથે થતા કોઈપણ અયોગ્ય વર્તન કે અસહજ અનુભવ વિશે વહેલી તકે પરિવારને જણાવી શકે.




