Jamnagar

જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા રૂ. 87,590નું કવર કલાકોમાં શોધી માલિકને પરત આપ્યું

By GS Team
28 Jun 20261 min read
TukuTouch Logo
જામનગર પોલીસે ફરી "પોલીસ પ્રજાનો મિત્ર" સૂત્ર સાર્થક કર્યું છે. શહેરના નાગેશ્વર કોલોનીમાંથી એક અરજદારની છોટા હાથી ગાડીમાંથી રૂ. 87,590 રોકડ ભરેલું કવર ગુમ થયું હતું. સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડે PI એન.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં કવર શોધી કાઢ્યું. પોલીસે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ મૂળ માલિકને રોકડ પરત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા રૂ. 87,590નું કવર કલાકોમાં શોધી માલિકને પરત આપ્યું

Jamnagar: જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરમાં સામાન્ય નાગરિકોના ગુમ થયેલા મુદ્દામાલ અને રોકડ રકમ શોધી કાઢી મૂળ માલિકને પરત આપવા માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જે અનુસંધાનમાં શહેર નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચના મુજબ અને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. રાજ તથા સર્વેલન્સ સ્કોડ દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગઈકાલે સવારે આશરે સાડા સાત વાગ્યે ગુલાબનગર ચોકી હેઠળના નાગેશ્વર કોલોની, વ્હોરાના હજીરા પાસે એક અરજદારની છોટા હાથી ગાડીમાંથી રોકડ રકમ ભરેલું કવર ગુમ થઈ ગયું હતું. કવરમાં કુલ રૂ. 87,590 રોકડ રકમ હતી.
ઘટનાની જાણ થતાં જ સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડે ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સતત પ્રયત્નો અને સઘન તપાસના પરિણામે ગણતરીના કલાકોમાં ગુમ થયેલું કવર શોધી કાઢવામાં સફળતા મળી હતી.
ત્યારબાદ અરજદારને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત રૂ. 87,590ની રોકડ રકમ સાથેનું કવર મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યું હતું.
આ કામગીરી દ્વારા જામનગર પોલીસએ ફરી એકવાર "પોલીસ પ્રજાનો મિત્ર" ના સૂત્રને સાર્થક કર્યું છે.