Jamnagar

જામનગર: પુત્રીના આઠ તોલા સોનાના દાગીના પરત નહી આપ્યાનો ભાભી સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં અરુણભાઈ વાધેલાએ ભાભી પ્રભાબેન વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. 2018માં ચોરીના ભયે તેમણે દીકરીના 8 તોલા સોનાના દાગીના, જેની કિંમત આશરે 5 લાખ રૂપિયા છે, તે ભાભીને સાચવવા આપ્યા હતા. બાદમાં અનેકવાર માંગવા છતાં દાગીના પરત મળ્યા ન હતા. 2024માં ભાભીની દીકરી તે દાગીના પહેરેલી જોવા મળતા, સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર: પુત્રીના આઠ તોલા સોનાના દાગીના પરત નહી આપ્યાનો ભાભી સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો

Jamnagar: જામનગરમાં દીકરીના અંદાજે આઠ તોલા જેટલા સોનાના દાગીના સાચવવાના બહાને લઈ પરત ન આપતાં અને બાદમાં તે દાગીના પોતાની દીકરીને આપી દીધાના આક્ષેપ સાથે ભાભી સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદી અરુણભાઈ ભીમજીભાઈ વાધેલા (ઉં.વ. 41), રહે. ગણેશફળી વાલ્મીકીવાસ, જામનગરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2018 દરમિયાન તેઓ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોવાથી અને અગાઉ તેમના ઘરની આસપાસ ચોરીની ઘટના બનતા તેમના ભાઈ ધનજીભાઈ તથા ભાભી પ્રભાબેને સોનાના દાગીના પોતાના ઘરે સુરક્ષિત રાખવા જણાવ્યું હતું. જેના આધારે ફરિયાદીએ તા. 1 સપ્ટેમ્બર, 2018ના રોજ દીકરીના આશરે આઠ તોલા જેટલા ૨૨ કેરેટના સોનાના દાગીના, જેમાં ત્રણ તોલાનો હાર, ત્રણ તોલાની પાનભૂટી, એક તોલાની કાનસર અને અડધા તોલાની વીંટી સહિત હાલમાં અંદાજે પાંચ લાખ રૂપિયાની કિંમતના દાગીના ભાભીને સાચવવા આપ્યા હતા.

ફરિયાદ મુજબ બાદમાં અનેક વખત દાગીના પરત માંગવા છતાં આપવામાં આવ્યા નહોતા. વર્ષ 2023 દરમિયાન ભાભીએ દાગીના ચાંદી બજારમાં આવેલા એક જ્વેલર્સ પાસે હોવાની વાત કરી હતી. જોકે જ્વેલર્સે માત્ર એક હાર પોતાની પાસે હોવાનું અને બાકીના દાગીના પરત લઈ જવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પણ દાગીના પરત ન મળતાં પરિવાર દ્વારા સમાધાનના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા હતા.

ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડિસેમ્બર 2024માં પરિવારના એક પ્રસંગ દરમિયાન ભાભીની દીકરી વિણાબેન ફરિયાદીની દીકરીના દાગીના પહેરેલી જોવા મળી હતી. આ અંગે પૂછતાં ભાભીએ તે દાગીના પોતાના હોવાનું જણાવ્યું હતું અને કોઈ ખરીદીનું બિલ પણ રજૂ કર્યું ન હતું. ફરિયાદીનો આક્ષેપ છે કે તેમની મંજૂરી વિના દાગીના પોતાની દીકરીને આપી દેવામાં આવ્યા અને આજે સુધી પરત આપવામાં આવ્યા નથી.

લાંબા સમય સુધી પરિવારજનો મારફતે સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતા અંતે ફરિયાદીએ ભાભી પ્રભાબેન ધનજીભાઈ વાધેલા સામે વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.