Jamnagar

જોડિયાના પીઠડગામમાં પ્રેમલગ્નનો ખાર રાખી સગા દીકરા અને પુત્રવધૂએ માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો

By GS Team
14 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગરના જોડિયા તાલુકાના પીઠડગામમાં પ્રેમલગ્નનો ખાર રાખી સગા દીકરા સુનિલ અને તેની પત્ની પીન્ટુબેને માતા-પિતા સહિત પરિવાર પર હુમલો કર્યો હતો. માતા સવિતાબેનને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ટાંકા લેવા પડ્યા હતા, જ્યારે પિતા રમેશભાઈનો હાથ ફ્રેક્ચર થયો હતો. ગર્ભવતી પુત્રવધૂ અને નાના દીકરા કિશનને પણ માર મારવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોડિયાના પીઠડગામમાં પ્રેમલગ્નનો ખાર રાખી સગા દીકરા અને પુત્રવધૂએ માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો

Jamnagar Crime : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડગામે પ્રેમલગ્નનો ખાર રાખી સગા દીકરા અને તેની પત્નીએ માતા-પિતા સહિત પરિવારના સભ્યો પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. હુમલામાં માતાના માથા અને કાન પાસે ગંભીર ઇજાઓ પહોંચી ટાંકા લેવા પડ્યા હતા, જ્યારે પિતાના જમણા હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ગર્ભવતી પુત્રવધૂ તથા નાના દીકરાને પણ માર મારવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.
ફરિયાદી સવિતાબેન રમેશભાઈ અઘારિયા (ઉંમર 50, રહે. પીઠડગામ)માં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો નાનો દીકરો કિશન કે જેણે આશરે સાત મહિના પહેલાં મીરાબેન નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. કિશન તેની પત્ની મીરાબેન સાથે ધ્રોળ રહેતો હોવાથી તેની ઘરવખરીનો થોડો સામાન પીઠડ સ્થિત માતા-પિતાના ઘરે પડ્યો હતો. તા.12 જુલાઈની રાત્રે કિશન, તેની પત્ની મીરાબેન, સાસુ સવિતાબેન તેમજ ફરિયાદી પરિવારના ઘરે સામાન લેવા આવ્યા હતા.
તે દરમિયાન ફરિયાદીનો બીજો દીકરો સુનિલ અને તેની પત્ની પીન્ટુબેન ત્યાં આવી પહોંચ્યા હતા. પ્રેમલગ્નનો ખાર રાખી બંનેએ કિશન અને તેની પત્નીને ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. માતા-પિતા વચ્ચે પડી સમજાવવા જતાં સુનિલે હાથમાં રહેલી કુહાડીના ઊંધા ઘા પોતાની માતા સવિતાબેનના કપાળ અને ડાબા કાન પાસે માર્યા હતા. પીન્ટુબેને લાકડાના ધોકાથી ફરિયાદીના પતિ રમેશભાઈના જમણા હાથમાં ઘા મારતા તેમને ફ્રેક્ચર થયું હતું.
ઝઘડો દરમિયાન કિશનને પણ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો, જ્યારે છોડાવવા વચ્ચે પડેલી ગર્ભવતી મીરાબેન ઝપાઝપીમાં નીચે પડી જતાં તેના પેટના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. બુમાબુમ થતાં બંને આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર માટે ધ્રોલ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સવિતાબેનના કપાળમાં બે તથા ડાબા કાન પાસે અનેક ટાંકા લેવામાં આવ્યા હતા, જ્યારે રમેશભાઈના હાથમાં ફ્રેક્ચર આવતાં પાટો બાંધવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસે સુનિલ અને તેની પત્ની પીન્ટુબેન વિરુદ્ધ મારામારી, ધમકી તથા અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.