જામનગરમાં ચારિત્ર્યની શંકામાં પત્ની પર તલવારથી પતિનો જીવલેણ હુમલો : માથા, ગળા અને હાથમાં ગંભીર ઈજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરના મોરકંડા રોડ વિસ્તારમાં ચારિત્ર્ય અંગેની શંકાને લઈને પતિએ પત્ની સાથે બોલાચાલી કર્યા બાદ તલવાર વડે જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. હુમલામાં મહિલાને માથાના ભાગે છ, ગળામાં બે તથા બંને હાથ અને ડાબા કાનમાં તલવારના ઘા લાગ્યા હતા. મોઢાના બે દાંત પણ તૂટી જતાં લોહીલુહાણ હાલતમાં તેણીને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
બેડી વિસ્તારમાં રહેતી નસીમબેન બોદુભાઈ વગીંડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની 32 વર્ષીય પુત્રી રેશમાબેનના લગ્ન આશરે 11 વર્ષ પહેલાં હબીબ હસનભાઈ મજબુલ સાથે થયા હતા. હાલમાં દંપતી મોરકંડા રોડ પર રબાની શેરી નં. 1માં ભાડાના મકાનમાં રહેતું હતું.
આશરે આઠ દિવસ પહેલાં હબીબ પત્નીના ચારિત્ર્ય અંગે શંકા રાખતો હોવાથી રેશમાબેન રીસામણે માતાના ઘરે આવી હતી. જોકે, ચાર દિવસ પહેલાં પરિવારજનો વચ્ચે સમાધાન થતાં હબીબ પત્નીને પરત ઘરે લઈ ગયો હતો.
દરમિયાન ગઈકાલે બપોરે આશરે ચાર વાગ્યે રેશમાબેને અજાણ્યા નંબર પરથી માતાને ફોન કરી જણાવ્યું હતું કે, પતિએ તેને તલવારના ઘા માર્યા છે અને પાડોશીઓ તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. ત્યારબાદ માતા, પિતા અને ભાઈ તોશીફભાઈ તાત્કાલિક જી.જી. હોસ્પિટલ પહોંચ્યા હતા.
ત્યાં રેશમાબેન સારવાર હેઠળ જોવા મળી હતી. તેના માથાના ભાગે છ, ગળામાં બે તેમજ બંને હાથમાં તલવારના ઘા અને ડાબા કાનમાં ઈજા થઈ હતી. મોઢાના બે દાંત પણ તૂટી ગયા હતા. રેશમાબેને પરિવારજનોને જણાવ્યું હતું કે, કામેથી ઘરે પરત ફર્યા બાદ હબીબે તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ઘરમાં પડેલી તલવાર કાઢી તેના પર આડેધડ ઘા મારવા લાગ્યો હતો. રેશમાબેન રાડો પાડતાં હબીબ ત્યાંથી નાસી ગયો હતો અને ત્યારબાદ પાડોશીઓ તથા મકાન માલિકે તેને હોસ્પિટલ પહોંચાડી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, પતિ હબીબ પત્નીના ચારિત્ર્ય અંગે શંકા રાખતો હતો અને આ શંકાના કારણે તેણે તલવાર વડે હુમલો કરી રેશમાબેનને ગંભીર ઈજાઓ પહોંચાડી જીવલેણ હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે હબીબ હસનભાઈ મજબુલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









