જામનગરના દરેડ-જીઆઈડીસીના એક કારખાનાની ભઠ્ઠીના બ્લાસ્ટ પ્રકરણમાં દાઝેલાં નેપાળી શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં ભારે ચકચાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: તાલુકાના ચેલા ગામ નજીક આવેલી વિઝન ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નં. 333 ખાતે આવેલા એલાઇટ મેટલ રિસાયકલ કારખાનામાં પીતળ ઓગાળવાની કામગીરી દરમિયાન ભઠ્ઠીમાં થયેલા બ્લાસ્ટમાં ગંભીર રીતે દાઝેલા નેપાળી શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે શ્રમિકો હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, તા. 20 જુલાઈના રોજ સવારે અંદાજે 11:45 વાગ્યાના સમયે કારખાનામાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં પીતળ ઓગાળવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ભઠ્ઠીમાં ગેસ બન્યા બાદ ઉપર પડ જામી ગયો હતો. આ પડને દૂર કરવા માટે નેપાળી શ્રમિક દિલબહાદુર આઈટે સુનાર આઈટે (ઉ.વ. 43)એ સળિયાથી ધક્કો મારતા અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો.
બ્લાસ્ટ થતાં ત્યાં કામ કરતા મંતોષસિંહ શીલાસિંહ ભઠ્ઠીના ઉપરના ભાગેથી નીચે કૂદી જતા તેમના જમણા પગની ઘૂંટીમાં ફ્રેક્ચર થયું હતું. જ્યારે હરીઓમ રાજપૂત (ઉ.વ. 19)ના શરીર પર ગરમ પીતળનો રસ ઉડતાં હાથ, છાતી અને બંને પગના તળિયામાં દાઝવાની ઇજાઓ પહોંચી હતી. બીજી તરફ દિલબહાદુરના શરીર પર પણ ગરમ પીતળનો રસ પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.
ત્રણેયને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન દિલબહાદુર આઈટે સુનાર આઈટેનું મોત નીપજ્યું હતું. તેઓ મૂળ નેપાળના કંચનપુર જિલ્લાના દોધારા ગામના રહેવાસી હતા અને હાલ જામનગરના વાલકેશ્વરી વિસ્તારમાં રહેતા હતા.
આ બનાવ અંગે જામનગર તાલુકા પંચકોશી બી-ડિવિઝન પોલીસ મથકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 હેઠળ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે એ.એસ.આઈ. એચ.બી. પાંડવ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




