જામનગર: મકાનની છત ધરાશાયી થતાં પરિવાર દટાયો, નિવૃત્ત ફાયર જવાનની સતર્કતાથી બચ્યા 3 જીવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

House Roof Collapse Rangmati Park, Jamnagar: જામનગર શહેરના રાજ પાર્ક નજીક આવેલા રંગમતી પાર્ક શેરી નં. 2માં ગુરુવારે(6 ઓગસ્ટ) બપોરે આશરે ચાર વાગ્યાના અરસામાં એક જૂના મકાનની છત અચાનક ધરાશાયી થતાં દંપતી અને પુત્ર સહિત ત્રણ વ્યક્તિ કાટમાળ નીચે દટાયા હતા. સમગ્ર બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ફાયર જવાનની સતર્કતાથી ત્રણેયને જીવતા બહાર કાઢી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મકાનની છત ધરાશાયી થતાં પરિવાર દટાયો
બનાવની વિગતો મુજબ, આશરે 40થી 45 વર્ષ જૂના મકાનમાં પ્રતાપગિરિ ગોસાઈ (ઉં.વ.61), તેમના પત્ની ડોલીબહેન પ્રતાપગિરિ ગોસાઈ (ઉં.વ.54) અને પુત્ર સાગર પ્રતાપગિરિ ગોસાઈ (ઉં.વ.27) હાજર હતા. આ દરમિયાન અચાનક મકાનની છત ધરાશાયી થતાં ત્રણેય કાટમાળ નીચે દટાયા હતા. પ્રતાપગિરિ ગોસાઈ પર છતનો મોટો ભાગ પડતાં તેઓ કાટમાળ નીચે ફસાઈ ગયા હતા.
ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યૂ
ઘટનાની જાણ થતાં નજીકમાં રહેતા ફાયર બ્રિગેડના નિવૃત્ત કર્મચારી સુરેશભાઈ ચૂડાસમાએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયર ઓફિસર જસ્મીનબહેન ભેંસદડીયા, ઉમેશ ગામેતી સહિત પાંચથી વધુ ફાયર જવાનો રેસ્ક્યૂ વાન સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કાટમાળ હટાવી પ્રતાપગિરિ ગોસાઈને જીવતા બહાર કાઢ્યા હતા.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તથા પડોશીઓ સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત પ્રતાપગિરિ ગોસાઈ, ડોલીબહેન ગોસાઈ અને સાગર ગોસાઈને 108 એમ્બ્યુલન્સની ટીમ સમયસર આવી પહોંચી હતી. ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી ત્રણેયને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ડૉક્ટરોના જણાવ્યા મુજબ, ડોલીબહેનને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે પ્રતાપગિરિ ગોસાઈ અને તેમના પુત્ર સાગરને પણ વિવિધ પ્રકારની ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેયની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં થશે મેઘરાજાની વાપસી! આ જિલ્લામાં 48 કલાક ભારે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર
ફાયર બ્રિગેડ અને 108 ઇમરજન્સી સેવાની સમયસર કામગીરીને કારણે કાટમાળ નીચે દબાયેલા પ્રતાપગિરિ ગોસાઈને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.









