Jamnagar

જામનગરમાં મહેસૂલી કર્મચારીઓની હડતાલનો સુખદ અંત : 260થી વધુ કર્મચારીઓ આજે ફરી ફરજ પર જોડાયા, કચેરીઓ ધમધમી ઊઠી

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગર સહિત રાજ્યમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળનો સુખદ અંત આવ્યો છે. ગાંધીનગરમાં મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ મહામંડળે આંદોલન સમેટી લીધું. સરકારે કર્મચારીઓની માંગણીઓ પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવતા જામનગર જિલ્લાના 260થી વધુ કર્મચારીઓ આજે શનિવારથી ફરજ પર હાજર થયા. કચેરીઓ ધમધમી ઉઠતા અરજદારોને મોટી રાહત મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં મહેસૂલી કર્મચારીઓની હડતાલનો સુખદ અંત : 260થી વધુ કર્મચારીઓ આજે ફરી ફરજ પર જોડાયા, કચેરીઓ ધમધમી ઊઠી

Jamnagar News : જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી મહેસૂલી કર્મચારીઓની હડતાલનો આખરે ગઈકાલે મોડી સાંજે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકાર સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ મહામંડળ દ્વારા આંદોલન સત્તાવાર રીતે સમેટી લેવાની જાહેરાત કરાતા, આજે શનિવારથી જામનગર જિલ્લાના 260થી વધુ મહેસૂલી કર્મચારીઓ પોતાની ફરજ પર પુનઃ હાજર થઈ ગયા છે, જેને પગલે છેલ્લા કેટલાક દિવસોથી ખાલીખમ ભાસતી સરકારી કચેરીઓ આજે ફરી ધમધમી ઊઠી છે અને અરજદારોને મોટી રાહત મળી છે.
મળતી વિગતો મુજબ, નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્કના પડતર પ્રશ્નો તથા વ્યાજબી માંગણીઓ અંગે ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક મંત્રી જીતુ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં મહામંડળના પ્રતિનિધિઓ સાથે યોજાઈ હતી. બેઠકમાં સરકારે કર્મચારીઓની માંગણીઓ પ્રત્યે અત્યંત ઉદાર અને હકારાત્મક અભિગમ દાખવીને ઝડપી નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે બાબતને ધ્યાને રાખીને સરકારે કર્મચારીઓના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલતા દાખવી છે. સરકારની આ હકારાત્મક ખાતરી બાદ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમારે આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. ગઈકાલે રાત્રે સમગ્ર રાજ્યભરમાં હડતાલ સમેટી લેવાયા બાદ આજે શનિવારે સવારથી જ જામનગર જિલ્લાના 260 જેટલા કર્મચારીઓ પોતપોતાની કચેરીઓમાં ફરજ પર ચડી ગયા હતા. જનસેવા કેન્દ્રો, મામલતદાર કચેરીઓ અને કલેક્ટર કચેરી સહિતના સ્થળોએ કર્મચારીઓ હાજર થતાં જ કામગીરી પૂર્વવત થઈ ગઈ છે. પોતાના અટકેલા દાખલા, પ્રમાણપત્રો અને મહેસૂલી કામકાજ અર્થે પહોંચેલા અરજદારોના કામો આજે થવા લાગતા તેમણે પણ રાહતનો શ્વાસ લીધો છે.